જામનગર શહેરમાં ગણેશવાસ પાસે આવેલા ભરવાડપાડામાં રહેતી મહિલાના પતિનું અવસાન થયા બાદ આઘાત લાગતા પત્નીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ન્યુ જેલ પાછળ આવેલા ગણેશવાસ પાસેના ભરવાડ પાડામાં રહેતા મનુબેન ડાયાભાઈ જાદવ (ઉ.વ.31) નામના મહિલાના પતિ ડાયાભાઈ ભીમાભાઈ જાદવનું અઢી માસ પહેલાં મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુનો આઘાત લાગી જતા પત્ની મનુબેને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યાની વેજાભાઈ જાદવ દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ એન પી જોશી તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.