જામનગરમાં સ્વામિનારાણયનગર મેઈન રોડ રંગમતિ નદીની સાઈડમાં વરસાદી પાણી આવતા અટકાવવા માટે રૂા.અઢી કરોડના ખર્ચે રીટેઈનીંગ વોલ બનાવવામાં આવશે. જ્યારે આગામી સ્વાતંત્ર્ય પર્વની શહેર કક્ષાની ઉજવણી શહેરના વોર્ડ નંબર 11 લાલવાડી વિસ્તારમાં કરવામાં આવશે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ રૂા.5.60 કરોડના જુદા-જુદા કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૂગર્ભ ગટરની સફાઈ તેમજ ધારાસભ્ય દ્વારા સુચવેલો જુદાજુદા સિવિલ કામોનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 12 માં વરસાદી પાણીના નિકાલ માટે આરસીસી બોકસ કેનાલ બનાવવા માટે રૂા.13.92 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે શહેરમાં આવેલા જુદા જુદા ઢોરના ડબ્બાઓમાં રહેલા ઢોર માટે ઘાસચારો સપ્લાય કરવા માટે વાર્ષિક રૂા.50 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આગામી 15મી ઓગસ્ટની જામનગર શહેર કક્ષાની ઉજવણી વોર્ડ નંબર 11 માં લાલવાડી વિસ્તારમાં કરવાનું પણ બેઠકમાં ઠરાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.