કાલાવડ તાલુકાના આણંદપર ગામ નજીકથી સાંજના સમયે પસાર થતા બાઈકને પૂરઝડપે આવી રહેલી બોલેરોના ચાલકે ઠોકર મારતા બાઈક પર સવાર યુવાનનું નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, મહારાષ્ટ્રના યવર્તમાલ જિલ્લાના ઝરીજામની તાલુકાના અદેગાઉના વતની અને હાલ રાજકોટ જિલ્લાના મેટોડામાં આવેલા કારખાનામાં રહેતા સવિતાબેન ધોતે અને તેના પતિ પ્રશાંતભાઈ દેવરામભાઈ ધોતે બુધવારે સાંજના સમયે પ્રશાંતભાઈ તેના જીજે-03-એમસી-3916 નંબરના બાઈક પર કાલાવડથી મેટોડા જીઆઈડીસી તરફ પરત જતા હતાં તે દરમિયાણ આણંદપર ગામ નજીક પહોંચ્યા ત્યારે પૂરપાટ આવી રહેલી અજાણી બોલેરો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા દંપતી બાઈક પરથી પટકાયું હતું. અને આ અકસ્માતમાં પ્રશાંતભાઈને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ તેમના પત્ની સવિતાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક બોલેરો લઇ નાસી ગયો હતો. બનાવની જાણના આધારે પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા અને બોલેરોચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.