Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરલાલપુર નજીક બાઈક અને કાર ધડાકાભેર અથડાતા બે પિતરાઈના મોત

લાલપુર નજીક બાઈક અને કાર ધડાકાભેર અથડાતા બે પિતરાઈના મોત

ખેતીનું કામ પતાવી લાલપુરથી મોટી રાફુદડ પરત ફરતા સમયે અકસ્માત: ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાતા રસ્તામાં મૃત્યુ : પોલીસ દ્વારા કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

લાલપુર ગામથી ગોવાણા ચોકડી તરફ જવાના રોડ પર નવી પીપર ગામના પાટીયા નજીક શનિવારે સાંજના સમયે પૂરપાટ આવી રહેલી કારના ચાલકે બાઈકસવારને ઠોકરે ચડાવતા બે પિતરાઈ ભાઈઓના મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતાં અને ખેતી કરતા પ્રવિણભાઈ મોહનભાઈ નકુમ (ઉ.વ.47) નામના યુવાન તેના પિતરાઇ દેવજીભાઈ સવજીભાઈ નકુમ (ઉ.વ.40) નામના યુવાન સાથે તેની બાઈકમાં ખેતીના કામ માટે મોટી રાફુદડથી લાલપુર ગયા હતાં અને શનિવારે સાંજના સમયે મોટી રાફુદડ પરત ફરતા હતાં તે દરમિયાન ગોવાણા ચોકડી નજીક પીપર ગામના પાટીયા પાસે વાહનને ઓવરટેક કરવા જતાં સામેથી પૂરપાટ આવી રહેલી જીજે-01-કેડબલ્યુ-1466 નંબરની કાર સાથે ધડાકાભેર અથડાતા બાઈક અને કારનો ભુકો બોલી ગયો હતો. અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતાં.

ત્યારબાદ બનાવની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને ઘવાયેલા યુવાનને સારવાર આપી લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બંને ભાઈઓના મોત નિપજ્યા હતાં. અકસ્માત અંગેની જાણ કરાતા મૃતક દેવજીભાઈના ભાઈ અશ્વિનભાઈ સવજીભાઈ નકુમ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો તેમજ બંને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે જામનગરની હોસ્પિટલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular