જામજોધુપર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતાં ખેડૂત પિતા-પુત્રએ સખપર ગામના વ્યાજખોર પાસેથી વાર્ષિક 36% લેખે 1.40 લાખની રકમ લીધી હતી. આ રકમ પેટે ખેડૂતની જમીનનો દસ્તાવેજ કરાવી લઇ વ્યાજ સહિત 10,25,000 વસૂલ કરી વધુ 16 લાખની માંગણી કર્યાના બનાવમાં નાણાં ધિરધાર અને વિશ્ર્વાસઘાત-છેતરપિંડીનો ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી ડામવા માટે લાગુ કરાયેલા કાયદા બાદ સરકાર દ્વારા હાથ ધરાયેલી કડક કાર્યવાહી અંતર્ગત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે ફરિયાદોનો મારો ચાલી રહ્યો છે. જેમાં જામનગર શહેર-જિલ્લામાં પણ વ્યાજખોરો વિરૂધ્ધ એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. ગઈકાલે જ જામનગરમાં પાંચ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન જામજોધપુર તાલુુકાના કલ્યાણપુર ગામમાં રહેતાં અને ખેતી કરતા આશિષભાઈ વલ્લભાઈ વરસાણી (ઉ.વ.37) અને તેના પિતા વલ્લભભાઈ વરસાણીએ વર્ષ 2008માં સામાજિક તથા ખેતીવાડીના કારણોસર નાણાંકીય જરૂરિયાતોને કારણે સખપર ગામના ઈશાક તારમામદ સંધી નામના વ્યાજખોર પાસેથી રૂા.1,40,000 ની રકમ માસિક 3% અને વાર્ષિક 36% જેટલા ઉંચા વ્યાજદરે રકમ લીધી હતી. દરમિયાન ખેડૂતની જૂના સર્વે નંબર 219 પૈકી 1 જમીન હેકટર 0-81-95 વાળી જમીનનો દસ્તાવેજ 2008 માં રૂા. 40 હજારનો વેંચાણ દસ્તાવેજ જામજોધપુર રજીસ્ટર્ડ કચેરીમાં કરાવી લઇ આ નાણાં પરત કરીએ જમીનનો દસ્તાવેજ પરત કરી આપશે તેવો વિશ્ર્વાસ વ્યાજખોરે ખેડૂતને આપ્યો હતો.
તેમજ વ્યાજખોરે આ જમીન ઉપર ધ્રાફાની એસબીઆઇ બેંકમાંથી લોન મેળવી લીધી હતી અને લોન ચાલુ હોવા છતાં 2011 મા આ જમીનનો દસ્તાવેજ નંબર 311 રૂપિયા 1,40,000 નો કરી અને ડયુ સર્ટીફિકેટ નહીં આપી અને જમીન રેવન્યુ રેકર્ડમાં ચડવા દીધો ન હતો તેમજ આ જમીન પોતાના પરિવારના સભ્યોના નામ વારસદાર તરીકે ચઢાવી દઈ વ્યાજખોરે 1,40,000 ની રકમના વ્યાજ સહિત રૂા.10,25,000 વસુલ કરી વધુ રૂા.16,00,000 ની માંગણી કરી ખેડૂત પિતા-પુત્ર સાથે છેતરપિંડી – વિશ્ર્વાસઘાત કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી પીએસઆઇ વી.એમ. ગઢવી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.