જામનગર મહાનગરપાલિકાના સિટી ઈજનેર પાસે ખંડણી માંગી ધાક-ધમકી આપી ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં આરોપી પૂર્વ કોર્પોરેટરના રિમાન્ડની માંગણી અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યાં હતાં. ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને ગુરૂવારે પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ કસ્ટડી દરમિયાન જામનગર મહાનગરપાલિકા ખાતે લઇ જઈ સમગ્ર ઘટનાનો રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાની સિટી ઈજનેર અને પૂર્વ ડીએમસી ભાવેશ જાની દ્વારા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પૂર્વે આરોપી અને પૂર્વ કોપોર્રેટર તેજસી ઉર્ફે દિપુ પારીયા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવાઇ હતી કે આરોપી તેમની ઓફિસની ચેમ્બરમાં જઈ વોર્ડ નંબર 7 ની ફાઈલ મંજૂર કરતા નથી. દબાવીને રાખો છો તમારે ગમે તેમ કરીને મંજૂર કરવી જ જોઇશે પહેલાં હું કોર્પોરેટર હતો હવે મારી પત્ની કોર્પોરેટર છે તેમ જણાવી સિટી ઈજનેરને અપશબ્દો બોલી એટ્રોસિટીની ફરિયાદ કરી હેરાન કરવાની ધમકી આપી હતી તેમજ દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે તેવી ધમકી આપી ખંડણી માંગી હતી. આ ઉપરાંત અધિકારીને તેમનો પર્સનલ ફોન ચાલુ રાખવા અને જ્યારે પણ ફોન ઉપાડી લેવો નહીં તો જીવવા નહીં દઉ – અને ખોટા કેસમાં ફીટ કરી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે ત્રણ મહિના પૂર્વે ફરિયાદ દાખલ થઈ હતી.
ફરિયાદ દાખલ થતા આરોપી નાશી ગયો હોય. ત્રણ મહિના જેટલો સમય થયો હોય. આરોપી મળી આવતો ન હોય. પોલીસ દ્વારા આરોપીના વોન્ટેડના પોસ્ટર પણ છાપવામાં આવ્યા હતાં. ત્યારબાદ તા.11 જુલાઈના રોજ આરોપીની અટકાયત કરી પોલીસ કસ્ટડી દરમિયાન તા.12 ના રોજ જામનગર મહાનગરપાલિકા કચેરી ખાતે લઇ જઈ ઘટનાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં આરોપી પક્ષ તરફે આરોપી રાજકીય પક્ષ સાથે જોડાયેલ વ્યક્તિ તથા પૂર્વ કોર્પોરેટર હોવાની તેમજ સામાન્ય બોલાચાલને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું હોવા સહિતની દલીલો કરી હતી. જે દલીલોને અદાલતે માન્ય રાખી પોલીસની રિમાન્ડની માંગણી રદ્દ કરી હતી.
ત્યારબાદ આરોપી દ્વારા જામીન મુકત થવા અરજી દાખલ કરી હતી. જેમાં પણ આરોપી તરફેની તમામ દલીલો રેકર્ડ ધ્યાને લઇ આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને ચીફ કોર્ટ દ્વારા આરોપી તેજસી ઉર્ફે દિપુ પારીયાને જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ જી. મુછડિયા રોકાયા હતાં.