જામનગર તાલુકાના સીક્કા દિગ્વીજય ગ્રામમાં કારાભુંગા વિસ્તારમાં રહેતાં વૃદ્ધાને તેણીના જ પતિ અને પુત્રો તથા પુત્રવધૂઓએ એકસંપ કરી માર મારી મુંઢ ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા કારાભુંગામાં નીમાજકોલોનીમાં રહેતાં ખીમીબેન વાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.60) નામના વૃધ્ધા તેની પુત્રી પુષ્પા ઉપર પતિ વાલજીભાઈ અને પુત્ર ધર્મેશ સાથે બુધવારે બપોરના સમયે ઘરે હતાં તે દરમિયાન વૃદ્ધાના પતિ વાલજી કરશન ચૌહાણએ પત્નીને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ઘરેથી જતું રહેવાનું કહ્યું હતું. તેમજ પુત્ર ધર્મેશે માતા ઉપર લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે ફરીથી પતિ વાલજીભાઈએ ગાળો કાઢી હતી અને પુત્ર જગદીશ વાલજી ચૌહાણ તથા પુત્રવધૂ રેખાબેન જગદીશ ચૌહાણ એ વૃદ્ધા ખીમીબેન અને તેની પુત્રી પુષ્પા ઉપર કોઇ વસ્તુનો ઘા મારતા પુષ્પાબેનને ઈજા પહોંચી હતી તેમજ દંપતીએ વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપી ઘર છોડી ચાલ્યા જવા કહ્યું હતું. હુમલાની ઘટનામાં વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદના આધારે હેકો એમ.પી. સીંધવ અને સ્ટાફ દ્વારા તેના જ પતિ, બે પુત્રો અને પુત્રવધૂ વિરૂધ્ધ માર મારી ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.