દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જામનગરના બે વ્યાજખોર સામેની ફરિયાદમાં પોલીસે બંને વ્યાજખોરોને દબોચી લઇ 20 લાખની કિંમતનો ટ્રક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, આ પ્રકરણ અંગે મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ધીરજલાલ પ્રભુદાસ ભાયાણી નામના 64 વર્ષના લોહાણા વૃદ્ધએ જામનગરમાં રહેતાં યાકુબ માકોડા અને મહંમદ સફી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે તેમણે આરોપી યાકુબ માકોડા પાસેથી રૂપિયા ત્રણ લાખ રોકડા ઉછીના લીધા હતા.
આ રકમ પરત મેળવવા માટે આરોપીએ ફરિયાદી ધીરુભાઈ પાસેથી બે કોરા ચેક તથા રૂપિયા 20 લાખની કિંમતનો લેલેન્ડ ટ્રક બળજબરીથી કઢાવી લઈ, રૂપિયા ત્રણ લાખની મુદ્દલનું પાંચ ટકા લેખે વ્યાજ વસૂલ કરવાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આમ, આરોપી શખ્સો દ્વારા ફરિયાદી ધીરજલાલ ભાયાણીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવ્યાના બનાવમાં પોલીસ અધિક્ષક મિતેશ પાંડેની સુચનાથી ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એચ. જોશીના નેજા હેઠળ પીએસઆઈ પી.પી. વાણીયા, એએસઆઇ એમ.સી. ચાવડા, એમ.આઈ. મામદાણી, કે.આર. જાડેજા, હેકો રવિરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે જામનગરના ગાંધીનગરમાં રહેતાં યાકુબ હુશેન માકોડા અને ખોજાગેઈટ વિસ્તારમાં રહેતા મહમદસફી અબ્દુલગફાર ખાખી નામના બંને વ્યાજખોરોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.20 લાખની કિંમતનો જીજે-37-ટી-5376 નંબરનો ટ્રક અને એચડીએફસી બેંકના સહી કરેલા બે કોરા ચેક કબ્જે કરી બંનેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.