Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વડાપાઉંનો ધંધો કરતા યુવાને 40 લાખ રાક્ષસી વ્યાજેે લીધા

જામનગરમાં વડાપાઉંનો ધંધો કરતા યુવાને 40 લાખ રાક્ષસી વ્યાજેે લીધા

ત્રણ વર્ષના સમય દરમિયાન 81.44 લાખ વ્યાજ સહિતી ચૂકવી દીધા: વ્યાજખોરોએ યુવાનનું સ્કૂટર અને તેના સસરાનું ટ્રેકટર પચાવી પાડયું : સસરાના મકાનમાં નુકસાન પહોંચાડયું : 15 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગરમાં રહેતા અને વડાપાઉંનો વ્યવસાય કરતા યુવાને તેના વ્યવસાય માટે જુદા જુદા વ્યાજખોરો પાસેથી લીધેલી 40 લાખની રકમનું વ્યાજ સહિત 81 લાખ ચૂકવી દીધા છતાં 15 વ્યાજખોરોએ યુવાન પાસે અવાર-નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી સહી વાળા કોરા ચેક લઇ વધુ વ્યાજની માંગણી માટે ધમકાવતા હોવાની ફરિયાદના આધારે પોલીસે 15 વ્યાજખોરો વિરૂધ્ધ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ફાચરયી ગામમાં રહેતો અને મુળ જામનગરના વતની એવા કમલેશ રાજુભાઈ સોલંકી (ઉ.વ.29) નામના વડાપાઉંનો વ્યવસાય કરતાં યુવાને ત્રણ વર્ષ પહેલાં કનકસિંહ જાડેજા પાસેથી રૂા. 4 લાખની રકમ 10% વ્યાજે લીધી હતી અને તેના 3,60,000 ચૂકવી દીધા હતાં તેમજ જયરાજસિંહ કનકસિંહ જાડેજા પાસેથી રૂા.5 લાખની રકમ 10% વ્યાજે લીધા બાદ 12 લાખની ચૂકવણી કરી દીધી હોવા છતાં જયરાજસિંહએ કમલેશનો એચડીએફસી બેંકનો તથા સસરા ખીમજીભાઈના કોરા બે ચેક તેમજ સાળા સંજયભાઇનો એક ચેક સહિ કરાવી તેની પાસે રાખ્યા હતાં. ઉપરાંત કમલેશના પિતા રાજુભાઈનો 7 લાખનો એસબીઆઈનો ચેક રીટર્ન કરાવી ફરિયાદ કરાવી હતી. તથા જયદીપસિંહ જાડેજા પાસેથી રૂા.30 હજાર 10 % લીધા બાદ 39 હજાર ચૂકવી દીધા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાનનું એકટીવા ઝુટવી લઇ ગીરવે રાખી લીધું હતું.

તથા જામનગરના યોગેશભાઈ કોળી પાસેથી કમલેશે રૂા.1,30,000 ની રકમ 60% વ્યાજે લઇને રૂા.4,68,000 ચૂકવ્યા હોવા છતાં કમલેશ પાસેથી એચડીએફસી બેંકના ખાતાના ત્રણ કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી અને ત્રણેય ચેકમાં ત્રણ-ત્રણ લાખ રૂપિયા ભરી યોગેશભાઈએ તેના ત્રણ મિત્રોના ખાતામાં ચેક નાખી રીટર્ન કરાવી ત્રણેય ચેકના ત્રણ-ત્રણ લાખ ગણી નવ લાખની ફરિયાદ કોર્ટમાં કરી હતી ઉપરાંત કમલેશના સાળા સુરજભાઇએ પણ યોગેશભાઈ પાસેથી 20 હજાર રૂપિયા વ્યાજે લીધા બાદ રકમ ચૂકવી દીધી હતી પરંતુ વ્યાજ નહીં ચૂકવી શકતા સુરજભાઈના ખાતાના કોરા ચેકમાં સહી કરાવી તેમાં રૂા.2,90,000 ભરી તેના મિત્રના એકાઉન્ટમાં ચેક રીર્ટન કરાવી કોર્ટમાં ફરિયાદ કરી હતી. તથા જામનગરના દુષ્યંતસિંહ ઝાલા પાસેથી 30% વ્યાજે રૂા.1 લાખની રકમના રૂા.2,40,000 ચૂકવી દીધા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કમલેશની દુકાને આવી ગાળો બોલી કમલેશના સસરાના ગુલાબ કુંવરબા આયુર્વેદ હોસ્પિટલ ખાતે આવેલા મકાનની ઘરવખરી અને સામાનનું નુકસાન કર્યુ હતું.

- Advertisement -

તથા જામનગરના અભિરાજસિંહ પાસેથી કમલેશે 10% વ્યાજે રૂા.70 હજાર લઇને રૂ.1,05,000 ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી કમલેશની દુકાને જઇ ગાળો કાઢી તેના એચડીએફસી બેંક ખાતાના બે કોરા ચેક પર સહિ કરાવી લઇ પાંચ લાખ અથવા સાત લાખ ભરી ચેક રિર્ટન કરાવી કોર્ટમાં ફરિયાદ કરી હતી. ઉપરાંત જામનગરના અર્જુનસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા નામના બે વ્યાજખોરો પાસેથી 10% વ્યાજે ચાર લાખ વ્યાજે લઇ રૂા.14 લાખની ચૂકવણી કર્યા છતાં બંને વ્યાજખોરોએ કમલેશની દુકાને આવી કમલેશના પિતા રાજુ મગન સોલંકીનો એસબીઆઇનો કોરો સહી વાળો ચેક લઇ તેમાં રૂા.6 લાખની રકમ ભરી જયરાજસિંહના ખાતામાં ચેક રિર્ટન કરાવી અદાલતમાં ફરિયાદ કરી હતી. અને ગાંધીનગરના હરપાલસિંહ ઝાલા પાસેથી 15% વ્યાજે 2 લાખની રકમના રૂા.2,70,000 ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી હતી અને બેદેશ્વરના સાદીક સફિયા પાસેથી રૂા. 9 લાખની રકમ 12% વ્યાજે લીધા બાદ આ રકમના વ્યાજ સહિત રૂા. 25,92,000 ચૂકવી દીધા છતાં વ્યાજખોરે બળજબરીપૂર્વક કમલેશના વ્યવસાયમાં ભાગીદારીનું લખાણ કરાવી કોટક બેંકના સહીવાળા બે કોરા ચેક લઇ એક ચેકમાં 12 લાખ ભરી પોતાના એકાઉન્ટમાં ચેક નાખી રીર્ટન કરાવી અદાલતમાં ફરિયાદ કરી હતી.

આમ એક પછી એક 10 વ્યાજખોરો પાસેથી કમલેશે વ્યાજ રકમ લીધા બાદ સરમત ગામના પાટીયા પાસેના અતુલ મેઘાણંદ ગઢવી પાસેથી રૂા.13 લાખ 10% વ્યાજે લઇ 13 લાખ ચૂકવી દીધા છતા અતુલે પઠાણી ઉઘરાણી કરી કમલેશના ધંધા ઉપર બેસી ગયો હતો અને ચાલુ ધંધો પચાવી પાડી એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ભૂતનાથ વડાપાઉ-2 ના નામે ધંધો ચાલુ કરી જેમાં કમલેશ અને અતુલ સરખે ભાગે પાર્ટનર બનાવી બંને ધંધા પચાવી પાડયા હતાં અને મારી નાખવાની ધમકી આપી ધંધામાંથી કાઢી મૂકયો હતો ઉપરાંત કમલેશના પિતાની માલિકીનું જીજે-10-ડીએન-0907 નંબરનું નવું ટે્રકટર જામજોધપુર ખાતેથી છોડાવ્યું હતું તે ધમકાવીને પચાવી પાડયું હતું. ઉપરાંત કમલેશના પિતા રાજુભાઈના સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ખાતાના બે કોરા ચેક બળજબરીપૂર્વક પડાવી ોલીધા હતાં. તેમજ જામનગરના સલીમભાઈને ત્રણ લાખ રૂપિયા કાર્ડમાં ચૂકવી દીધા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી તથા ગાંધીનગર રોડ પર આવેલ જી ફાયનાન્સના માલિકએ રૂા.1,30,000 કમલેશના સાળાના રૂપિયા ભરવાનું ચાલુ હોવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી એચડીએફસી બેંકના બે કોરા ચેકમાં સહિ કરાવી પડાવી લીધા હતા તેમજ જામનગરના રાજ આહિરને રૂા.60 હજાર કાર્ડમાં અમુક રકમ ભરી હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી એચડીએફસી બેંક ખાતાનો કોરો ચેક સહિ વાળો પડાવી લીધો હતો અને જામનગરના વિજયસિંહ રાઠોડ પાસેથી રૂા.1 લાખ કાર્ડમાં ભરી દીધા હોવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હતાં.

- Advertisement -

આમ જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે ભૂતનાથ વડાપાઉંનો વ્યવસાય કરતા કમલેશ સોલંકી એ જુદા જુદા સમયે 15 લોકો પાસેથી અંદાજે રૂા.40 લાખની રકમ રાક્ષસી વ્યાજે લીધી હતી. જે પેટે રૂા.81.44 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોએ ચેક રિટર્ન કરાવી અદાલતમાં ફરિયાદ કરી હતી અને કમલેશનું સ્કુટર તથા તેના સસરાનું નવું ટ્રેકટર પચાવી પાડવા અને તેના પિતાના મકાનનો દસ્તાવેજ લખાવી સસરાના મકાનમાં તોડફોડ કર્યાની વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ઝેડ એમ મલેક તથા સ્ટાફે ગુજરાત નાણાં ધિરધારની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular