કલ્યાણપુર તાબેના મેવાસા ગામે ગઈકાલે બુધવારે સાંજે પાણી ભરેલા એક ખાડામાં નહાવા પડેલી ચાર પૈકી બે તરુણીઓના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે એકને મૂર્છિત અવસ્થામાં ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ કરૂણ બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે આશરે 50 ફૂટ જેટલા ઊંડા અને પાણી ભરેલા એક ખાડામાં બુધવારે સાંજે આશરે પાંચ વાગ્યાના સમયે ચાર જેટલી મહિલાઓ, તરુણીઓ નાહવા માટે ઊતરી હતી. પાણીની વધુ ઊંડાઈ તેમજ તરતા ન આવડતું હોવાથી ત્રણ મહિલાઓ પાણીમાં ડૂબવા લાગી હતી. જો કે એક યુવતી પાણીમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહી હોવાનું પણ કહેવાય છે.
આ બનાવ અંગેની જાણ સ્થાનિક લોકોને થતા ગ્રામજનો તેમજ 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી બાદ આ પાણી ભરેલા ખાડામાંથી બે તરુણીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ સુજાનબેન મુસ્તાકભાઈ બ્લોચ (ઉ.વ. 14) અને સિમરનબેન ગનીભાઈ મકરાણી (ઉ.વ. 16) નું પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રૂબીનાબેન યુનુશભાઈ બલોચ (ઉ.વ. 28) ને ઈમરજન્સી 108 મારફતે વધુ સારવાર અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવે મૃતક તરુણીઓના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.