જામનગર શહેરના દિગ્જામ સર્કલથી મહાકાલી સર્કલ તરફ રોડ પર પૂરપાટ જઈ રહેલી બલેનો કારના કાર આડે કુતરુ વચ્ચે આવી જતા કાર પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં બેસેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ગત તા. 6 જાન્યુઆરીના રોજ રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં સુદીપની કેએલ-06 – 3665 નંબરની બલેનો કાર તેનો મિત્ર મિથુન ચલાવતો હતો અને કારમાં પાછળ વિષ્ણુ તથા ઉની નામના બે યુવાનો બેઠા હતાં તે દરમિયાન કાર પુરપાટ જતી હતી ત્યારે કુતરુ વચ્ચે આવી જતાં ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં કાર ચાલક મિથુન અને વિષ્ણુ તથા ઉનીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર લઇ રહેલા ઉની દામોદરણ નામના યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા દામોદરણ ચંદનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.વી. દવે તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.