જામનગર જિલ્લા હોમગાર્ડ કામન્ડન્ટ દ્વારા પરેડ / ફરજમાં બેદરકારી દાખવનાર હોમગાર્ડ જવાનો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરતાં પાંચ હોમગાર્ડ જવાનોને બરતરફ કરવામાં આવ્યા છે. તેમજ હોમગાર્ડ જવાનોને પરેડ/ફરજમાં નિયમિત રહેવા પણ તાકીદ કરવામાં આવી છે.
હોમગાર્ડ દળમાં તાલીમને સૌ પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. જેના માટે દર માસે કુલ ચાર પરેડ રાખવામાં આવે છે. જેમાંથી દરેક જવાનોને બે પરેડ ફરજિયાત કરવાની હોય છે. આ ઉપરાંત વીવીઆઈપી ફરજો તથા ચૂંટણી ફરજો પણ ફરજિયાત કરવાની હોય છે. પરંતુ અમુક જવાનો ફકત રેગ્યુલર ફરજો કરે છે અને પરેડ તથા વીવીઆઇપી ફરજો કે ચુંટણી ફરજો, કેમ્પ કરતા નથી અનેક વખત સૂચના આપી હોવા છતાં અમુક હોમગાર્ડ જવાનોએ નિયમિત પરેડ કરી નથી તેમજ વીવીઆઈપી ફરજો તથા ચૂંટણી ફરજ નિભાવી નથી જેની ગંભીરતાને ધ્યાને લઇ પાંચ હોમગાર્ડ જવાનોને બરતરફ કરાયા છે.
જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા કાલાવડ તાલુકા યુનિટના એઝાઝ રફિકભાઈ માંકડિયા, સિક્કા યુનિટના જીતેન્દ્ર જે. રાણવા, સીટી એ યુનિટના મુકેશ રતિલાલ વડગામા, હાર્દિક શૈલેષભાઈ મકવાણા, સિટી બી યુનિટના સુનિલ જી. દાઉદીયા ને હોમગાર્ડ દળમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે.
જિલ્લા હોમગાર્ડ કામન્ડન્ટએ વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 2024 ના અંતે જે હોમગાર્ડ જવાનોની પરેડ / તાલીમ 50%થી ઓછી હશે તેઓની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરી બરતરફ સુધીની શિક્ષા કરવામાં આવશે જેથી નિયમિત ન હોય તેવા હોમગાર્ડ જવાનોને તાત્કાલિક નિયમિત પરેડ/ફરજમાં સામેલ થઈ જવા તાકીદ કરાઈ છે.