જામનગર તાલુકાના નાઘેડી ગામમાં સાંજના સમયે પાણી ભરવાની બાબતે થયેલી બોલાચાલીમાં બે પરિવારો વચ્ચે સામસામા થયેલા સશસ્ત્ર હુમલામાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, મુળ કાલાવડ તાલુકાના નિકાવા ગામના વતની અને હાલ જામનગરના નાઘેડી ગામમાં રહેતાં દક્ષાબેન હિતેશભાઈ મકવાણા (ઉ.વ.22) નામની યુવતી સાંજના સમયે પાણી ભરવા ગઈ તે દરમિયાન હીરીબેન રાઠોડે પાણી ભરવા ન દીધું હતું. અને યુવતીને ગાળો બોલી ઝપાઝપી કરી હતી. તેમજ હીરીબેન તથા યોગેશભાઈ બીજલભાઈ રાઠોડ, રમેશભાઈ ધનજીભાઈ રાઠોડ, દિપક રમેશ રાઠોડ નામના ચાર શખ્સોએ ઝપાઝપી કરી લાકડાના ધોકા અને ખરપીયા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
સામાપક્ષે દક્ષાબેન મકવાણા, રીધ્ધીબેન નારણભાઈ પરમાર, કરણભાઈ નારણભાઈ પરમાર નામના ત્રણ શખ્સોએ હીરીબેન રાઠોડ સાથે પાણી બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને પરિવાર દ્વારા સામસામા કરાયેલા હુમલામાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ એમ.એલ. જાડેજા તથા સ્ટાફે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.