જામનગર શહેર નજીક આવેલ મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના પતિ અને સાસુ દ્વારા અપાતા શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી જઇ ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક મોરકંડા રોડ પર આવેલા સનસીટી 01 શેરી નં.4 માં રહેતાં અજમીનાબેન નવસાદભાઇ હાલાણી (ઉ.વ.33) નામની મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન આફ્રિકા રહેતાં પતિ નવસાદ અનવર હાલાણી અને સાસુ અમિનાબેન હાલાણી તથા સસરા અનવર હાલાણી સહિતના ત્રણેય સાસરીયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી મેણાટોણા મારતા હતાં અને ગાળો બોલી બોલાચાલી કરતાં હતાં. સાસરિયાઓના અવાર-નવાર ત્રાસથી કંટાળી જઈ તેણીના ઘરે થાઈરોડની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એન.એમ. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.