કલ્યાણપુર નજીકના બાયપાસ પાસે ગઈકાલે રવિવારે સાંજે એક મોટરકારે દસ વર્ષીય બાળાને હડફેટે લેતા આ બાળાનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, કલ્યાણપુરથી આશરે દસેક કિલોમીટર દૂર લાંબા બાયપાસ પાસે રવિવારે સાંજે આશરે સવા ચાર વાગ્યાના સમયે એક પરિવારની આશરે 10 એક વર્ષની પુત્રી જઈ રહી હતી ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા મારુતિ સ્વિફ્ટ મોટરકારના ચાલકે આ બાળાને ઠોકર મારી હતી. આ ટક્કર બાળા માટે જીવલેણ નીવડી હતી અને તેણીનું ઘટના સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ બાળાના મૃતદેહને કલ્યાણપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ બનતા મૃતક બાળાના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.