કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા ખેડૂત પ્રૌઢ સાથે વડોદરાની મહિલાએ પ્રૌઢને વિશ્વાસમાં લઇ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી પ્રૌઢ પાસેથી બે વર્ષ દરમિયાન કટકે કટકે 27 લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાનાં હરીપર ગામમાં રહેતા અને ખેતી કરતા અમૃતભાઈ દામજીભાઈ વસોયા (ઉ.વ.58) નામના પ્રૌઢની સોશિયલ મીડિયાના ફેસબુક મારફતે 2020 ના જૂન માસમાં વડોદરામાં રહેતી કવીતાબેન અશ્વિનભાઈ મીસ્ત્રી નામની મહિલા સાથે સંપર્કમાં આવ્યા બાદ ભાઈ-બહેન તરીકે વાતચીત થતી હતી. તે દરમિયાન મહિલાએ કહ્યું હતું કે મારા પતિ ગુજરી ગયેલ છે, અને હાલ હું તથા મારી દીકરી નેન્સી અમે બન્ને સાથે રહીએ છીએ અને મારી આર્થિક પરીસ્થિતિ નબળી છે. એક માસ બાદ આ મહિલાએ વાત કરેલ કે હાલ મારી નોકરી છુટી ગયેલ છે અને મારે ઘર ચલાવવામાં પણ તકલીફ આવે છે. તમે મને આર્થિક રીતે મદદ કરો જેથી અમૃતભાઈએ તેને બહેન ગણી રૂા.3,000 ટ્રાન્સફર કર્યા હતાં ત્યારબાદ દીકરીની ફી માટે રકમ માંગી હતી તથા દીકરી પડી ગઇ હોવાથી સર્જરી કરવા તથા બાદમાં પોતાને ગર્ભાશયનું કેન્સર થયું હોવાનું જણાવી રકમ માંગતા તેઓની સારવાર માટે તથા તેની દીકરીની સારવાર માટે કટકે-કટકે મળી કુલ રૂા. 11,02,500 તેમના ખાતમાં જમાં કરાવ્યા હતા.
પ્રૌઢે 11 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કર્યા બાદ ઉછીના આપેલા પૈસાની મહિલા પાસે પરત માગણી કરતા મહિલાએ જુદા-જુદા બહાના બતાવી પૈસા આપ્યા ન હતાં. દરમિયાન એક માસ પછી મહિલાએ રૂા.30 લાખની લોન મંજૂર કરાવવા માટે ચાર લાખ એડવાન્સ આપવા પડે તેમ છે તેમ જણાવી પ્રૌઢ પાસેથી વધુ ચાર લાખ પડાવ્યા હતાં. ત્યારબાદ મહિલાએ ફરી પૈસાની માંગણી કરતા પ્રૌઢ ખેડૂતે અગાઉના આપેલા પૈસા પરત આપવાનું જણાવતા મહિલાએ રંગ બદલી અને પ્રૌઢને ‘તમારા વીડિયોકોલોની મે વીડિયો ઉતારી લીધો છે અને જો તમે મને વધુ પાંચ લાખ નહીં આપો તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામક કરી જીવવા જેવા નહીં રહેવા દઉ’તેવી ધમકી આપી હતી. જેથી ગભરાયેલા પ્રૌઢ ખેડૂતે બદનામ થવાની બીકે મહિલાને આંગડીયા મારફતે રૃા.5.50 લાખ મોકલેલ હતા ત્યારબાદ ફરીથી મહિલાએ વિડીયો વાયરલ ધમકીઓ આપી ભય બતાવતા 6 લાખ તથા બાદમાં રૂા. 45 હજાર આંગડીયા મારફતે મોકલેલ હતા. તેઓને પૈસા પરત આપી દેવાનુ કહેતાં મહિલાએે કોલ તથા મેસેજમાં તમે મને હેરાન કરો છો હું આત્મહત્યા કરી લઇશ તેવી ધમકીઓ આપી હતી.
વડોદરાની મહિલાએ હરીપરના પ્રૌઢ ખેડૂત પાસેથી જુલાઈ 2020 થી એપ્રિલ 2022 ના સમય દરમિયાન બેંક મારફતે અને આંગડિયા મારફતે જુદા જુદા સમયે કુલ રૂા.27,12,500 બળજબરીપૂર્વક પડાવી લઇ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યાના બનાવમાં પ્રૌઢ ખેડૂત અમૃતભાઈએ આ છેતરપિંડી અંગે કાલાવડ પોલીસ સ્ટેશનમાં વડોદરાના મહિલા કવિતાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એન બી ડાભી તથા સ્ટાફે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.