રાજકોટ ગેમઝોનમાં લાગેલ આગમાં જામનગર રહેતો અને ગેમઝોનમાં નોકરી કરતા યુવાને પોતાનો જીવ જોખમમાં મૂકી 10 થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા ત્યારબાદ પોતાના જીવ બચાવવા બીજા માળેથી કુદકો મારતા યુવાનને ભારે ઈજાઓ પહોંચી હતી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મુખ્યમંત્રીએ પણ યુવાનની મુલાકાત લીધી હતી તેમજ યુવાન જામનગર પહોંચતા જામનગરના મેયર, કાલાવડના ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પણ યુવાનની મુલાકાત લઇ તેના ખબર અંતર પૂછયા હતાં.
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 ના રોજ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. જામનગરમાં રહેતો મનિષ ખીમસુરીયા નામનો યુવાન આ ગેમઝોનમાં નોકરી કરતો હતો અને અગ્નિકાંડ સર્જાયો ત્યારે તે પોતે પણ ત્યાં ફરજ પર હતો. આગ લાગતા જામનગરના આ યુવાને લોકોના બચાવની સેવા કરી હતી અને અંદાજે 10 થી વધુ લોકોના જીવ બચાવ્યાં હતાં. યુવાને અગ્નિકાંડમાં પોતાનો જીવ જોખમમાં મૂકી અન્યના જીવ બચાવ્યા હતાં. ત્યારબાદ પોતાનો જીવ બચાવવા તેણે બીજા માળેથી કુદકો માર્યો હતો. જેના પગલે યુવાનને હાથ-માથા તથા ગરદન સહિતના ભાગોમાં ઈજા પહોંચી હતી. તેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ યુવાનની હોસ્પિટલ ખાતે મુલાકાત લઇ ખબર અંતર પુછી યુવાનની આ સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી.
રાજકોટમાં સારવાર લીધા બાદ યુવાન જામનગર પહોંચતા જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, કોર્પોરેટર જશુબા ઝાલા, એડવોકેટ રાહુલ ચૌહાણ સહિતના અગ્રણીઓ તેના ઘરે પહોંચ્યા હતાં અને યુવાનની મુલાકાત લઇ તેના ખબર અંતર પૂછયા હતાં અને તેના જીવના જોખમે કરેલા આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.