જામનગર શહેરમાં જૂની આરટીઓ પાછળ તળાવમાં વૃધ્ધે 10 વર્ષથી થયેલી બીમારીથી કંટાળીને આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં જૂના હુડકોમાં રહેતાં જગદીશભાઈ રમણીકલાલ ઠાકર (ઉ.વ.63) નામના વૃધ્ધને છેલ્લાં 10વર્ષથી પેટની તથા ચામડીની બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હતો. જેથી જિંદગીથી કંટાળીને વૃઘ્ધે શનિવારે સવારના સમયે જૂની આરટીઓ પાસે ચબુતરા પાસે તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ પાણીમાંથી વૃધ્ધના મૃતદેહને બહારે કાઢી પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે એએસઆઈ એમ.એમ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ કૌશિકભાઈના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.