ધ્રોલ તાલુકાના ખીજડિયા ગામ પાસે ઉંડ નદીમાં રેલવે પુલ નીચેથી ગુરૂવારે સવારના સમયે ચાલીશેક વર્ષના અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના વીરાણી ખીજડિયા ગામ નજીક આવેલી ઉંડ નદીના રેલવે પુલ પરથી આશરે 40 વર્ષનો અજાણ્યો યુવાન ચાલીને જતો હતો તે દરમિયાન પુલ પરથી ટે્રન પસાર થતા યુવાને નીચે નદીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની ખેડૂત મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી જી પનારા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા અને મોત કયા કારણોસર થયું તે અંગેની તપાસ હાથ ધરી હતી.