સાઈબર છેતરપીંડી પર અંકુશ લાવવા માટે આરબીઆઈ મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. જે અંતર્ગત બેન્કોને સાઈબર અપરાધમાં ઉપયોગ થતા શંકાસ્પદ ખાતાઓને અસ્થાયી રીતે બંધ કરવાની મંજુરી મળી શકશે, જેના માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
જાણવા મળતી વિગત મુજબ આરબીઆઈ, ગૃહ મંત્રાલયની સાઈબર છેતરપીંડી સાથે લડતી એજન્સીને મળેલ જાણકારીના આધારે બેન્કો માટે પોતાની ગાઈડલાઈનમાં સુધારો કરશે. તેના માટે બેન્કોને ખાસ વધારાના અધિકાર આપવામાં આવશે, જેથી તાત્કાલિક અસરથી શંકાસ્પદ બેન્ક ખાતા બંધ કરી શકાય. હાલમાં બેન્ક, પોલીસ દ્વારા સાઈબર અપરાધનો રિપોર્ટ નોંધાયા બાદ જ શંકાસ્પદ ખાતા બંધ કરાય છે.
સરકારી આંકડા મુજબ વર્ષ 2021થી અત્યાર સુધીમાં સાઈબર છેતરપીંડીથી શંકાસ્પદ ખાતામાં લગભગ 1.26 અબજ ડોલરની રકમ આવી છે, જયારે દરરોજ લગભગ ચાર હજાર છેતરપીંડી વાળા ખાતા ખોલવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનામાં સરકારે પૈસા કાઢવા માટે ઉપયોગ કરાયેલ લગભગ 2.5 લાખ ખાતાને સસ્પેન્ડ કરાયા છે. સાઈબર ઠગાઈનો ભોગ બનેલા લોકોને પહેલા પોલીસને કે સાઈબર અપરાધ શાખાને રિપોર્ટ નોંધાવવો પડતો હતો. આ પ્રક્રિયામાં દિવસો લાગી જતા હોય છે, નવી વ્યવસ્થામાં પીડિતને પોલીસમાં ફરિયાદ કરવાની જરૂરત નહીં રહે.
સાઈબર છેતરપીંડી અને શંકાસ્પદ લેવડ દેવડમાં સામેલ ખાતા પર બેન્કોએ સકંજો કસ્યો છે. હાલમાં જ કેટલીક બેન્કોએ આવા અનેક ખાતાઓને બ્લોક કરી દીધા છે. આવા ખાતાને ‘મની મ્યુલ’ ખાતા કહેવાય છે. એચડીએફસી બેન્ક સહિત ઓછામાં ઓછી પાંચ ભારતીય બેન્કો આવા મની મ્યુલ ખાતા પર વોચ રાખી છે. આવા ખાતાની બાદમાં તપાસ થાય છે.