ખંભાળિયા સહિત જિલ્લામાં આવેલા દરિયાકાંઠા પર આવેલા કેટલાક ગામોમાં વાવ-કુવા-બોરના પાણી વિવિધ કારણોસર પીવા લાયક નહીં રહેતા આ ગામોના લોકોને પીવાના પાણીનો આધાર નર્મદાના નીર ઉપર રાખવો પડે છે. ત્યારે નર્મદાના નીર અનિયમિત આવતા હોવાથી આવા ગામડાઓને છેલ્લા એકાદ માસથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
ખંભાળિયા તાલુકાના સલાયા બંદરથી આગળ જતા જિલ્લાની દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામડાઓ ઝાંકસીયા, બેરાજા, નાના આસોટા, મોટા આસોટા, દાત્રાણા, બેહ, વિગેરે ગામોમાં એકાદ માસ પહેલા જ બોર, કૂવાના પાણી તળિયે બેસી જવા તથા પાણી ભાંભરા બની જવાના કારણે પીવાના પાણી માટે મોટી સંખ્યામાં ગ્રામજનોને હવે નર્મદાના પાણી પર જ આધાર રાખવો પડે છે.
પરંતુ આ વિસ્તારમાં ત્રણ કે ચાર દિવસે નહીં પરંતુ આઠ-દસ દિવસે પાણી આપવામાં આવતું હોવાથી ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઈ રહ્યા છે. ઘર ઉપયોગમાં તેમજ પીવાના માટેના પાણીનો વિશાળ જથ્થો સંગ્રહ કરી શકાય એવી સગવડતા તમામ પરિવારો પાસે ન હોવાથી તેઓ કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે. આ મુદ્દે આગેવાનો દ્વારા પાણી પુરવઠા બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવે છે, તો એવો જવાબ આપવામાં આવે છે કે ઉપરથી પાણીનો જથ્થો વધારવામાં આવશે તો આપને વધુ પાણી આપી શકાય. આ સ્થિતિના કારણે ગામડાના લોકોની પરિસ્થિતિ દિવસે દિવસે દયાજનક બની રહી છે.
ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ અંગે જરૂરી પગલાં લઈ અને અનિવાર્ય એવા પાણીના આ પ્રશ્ર્ને તાકીદે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.