બેટ દ્વારકાના ખલાસીઓ, માછીમારો સાથેની બોટ થોડા દિવસો પૂર્વે મધદરિયે અકસ્માતનો ભોગ બનતા આ બનાવ સંદર્ભે 19 વર્ષના મૃતક યુવાનના પિતાએ બેદરકારી દાખવવા સબબ બે શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ અંગે ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મામદભાઈ તૈયબભાઈ પાંજરી નામના 42 વર્ષના મુસ્લિમ ભડાલા યુવાને બેટ દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ બેટ દ્વારકા ખાતે રહેતા આરોપી સતાર ઓસમાણભાઈ અંગારીયા અને ઇરફાન અલાના પાંજરી નામના ટંડેલ યુવાનો દ્વારા થોડા દિવસો પૂર્વે અલ હુસેની નામની બોટને દરિયામાં ભયજનક રીતે અને બેદરકારીપૂર્વક ચલાવતા આ બોટનો અકસ્માત થયો હતો જેના કારણે આ બોટમાં જઈ રહેલા તેમના 19 વર્ષના પુત્ર સાયર મામદભાઈ પાંજરીનું દરિયાના પાણીના ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. આમ, આરોપી સતાર અંગારીયા અને ઈરફાન પાંજરીએ પણ બેજવાબદારીપૂર્વક કૃત્ય કરતા આ અંગે બેટ દ્વારકા પોલીસે બંને સામે આઈપીસી કલમ 280 તથા 304 (અ) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.