તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મિસિસ સોઢી ફેમ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીનો શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સામે જાતિય સતામણીના કેસમાં જીત થઈ છે. અભિનેત્રીએ મંગળવારે આ બાબતની પુષ્ટી કરતા જણાવ્યું કે 15 ફેબ્રુઆરીએ કોર્ટનો ચુકાદો આવ્યો હતો અને મોદીને બાકીની રકમ ચુકવી દેવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત કોર્ટે મોદીને રૂ પાંચ લાખ વળતર તરીકે જેનિફરને ચુકવવા પણ જણાવ્યું છે.
કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે આસિત મોદીએ અભિનેત્રીને બાકીની રકમ તેમજ આ રકમ હેતુપૂર્વક ન ચુકવવાના દંડ તરીકે વધારાનું વળતર અને સતામણી માટે રૂ. પાંચ લાખ વધારાના ચુકવવા પડશે. મોદીએ જેનિફરને કુલ લગભગ 25 થી 30 લાખ રૂપિયા ચુકવવા પડશે. જેનિફરે જણાવ્યું કે આ ચુકાદો 15 ફેબ્રુઆરીએ જ આપી દેવાયો હતો પણ તેને આ બાબત મીડિયામાં શેર ન કરવાની તાકીદ કરાઈ હતી.
જો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ ભૂતપૂર્વ અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે તેને હજી સુધી તેની રકમ મળી નથી. ઉપરાંત શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર જતિન બજાજને કોઈ સજા ન થઈ હોવાથી પણ જેનિફર હતાશ થઈ હતી.
જેનિફરે ઉમેર્યું કે આ ચુકાદાથી સ્પષ્ટ થયું હતું કે તેનો કેસ ખોટ નહોતો અને તે આવું કરીને કોઈ પબ્લિસિટી મેળવવા નહોતી માગતી. જેનિફરે જણાવ્યું કે મારી સતામણી થઈ હોવાનું કબૂલ થયા હોવા છતાં મને હજી પૂર્ણ ન્યાય ન મળ્યો હોવાનો અફસોસ છે.