Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતહાઇકોર્ટની દહાડ : સિંહના મોત સાંખી નહિં લેવાય

હાઇકોર્ટની દહાડ : સિંહના મોત સાંખી નહિં લેવાય

ટ્રેન હડફેટે સિંહના મોત અંગે રેલવેને અલ્ટીમેટમ, તો રેલવે ટ્રેક બંધ કરાવી દેશું

- Advertisement -

ગીર અભ્યારણ્ય વિસ્તારમાં સિંહોના અકાળે થતાં મૃત્યુના મામલે સુઓમોટો રિટ પીટીશનની સુનાવણીમાં રેલવે વિભાગના જવાબ પ્રત્યે હાઈકોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી. ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરુદ્ધ પી. માયીની ખંડપીઠે રેલવેની ઝાટકણી કાઢતાં ટકોર કરી હતી કે, ‘રેલવે તંત્રની ઉદાસીનતાના પાપે આપણે ઘણા સિંહો આજ સુધી ગુમાવ્યા છે.

- Advertisement -

પરંતુ હવે એક પણ સિંહનું મૃત્યુ ચલાવી લેવાશે નહી. રેલવે અને વન વિભાગ સાથે બેસી દિવસ-રાત એક કરીને સિંહોના મૃત્યુને અટકાવવા માટેના નકકર આયોજનો બનાવી કોર્ટ સમક્ષ રજુ કરે. સિંહોના અકાળ મૃત્યુ થતાં હોય ત્યારે રેલવે વિભાગને ઉંઘવાનો પણ અધિકાર નથી.

બે સિંહોના મૃત્યુ બાદ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં રેલવેએ તપાસના નામે માત્ર ડ્રાઈવરના નિવેદન લીધા છે, જે તપાસમાં ચાલતી પોલમપોલ છતી કરે છે. બસ, હવે બહુ થયું, તમે સમાધાન નહીં લાવો તો અમે ગીર અભ્યારણ્યના રેલવે ટ્રેકને બંધ કરાવી દઈશું.

- Advertisement -

સિંહોના અપમૃત્યુના કેસોમાં હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલી જાહેર હિતની અરજીમાં રેલવે ઓથોરિટીએ બે સિંહના મૃત્યુના કારણમાં એવો જવાબ આપ્યો હતો કે બંને સિંહ એકાએક રેલવે ટ્રેક પર આવી જતાં તેમના મૃત્યુ થયા હતા. આ જવાબ સાંભળતાં જ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સખત નારાજ થયા હતા અને એવી આકરી ટીકા કરી હતી કે, ‘સિંહો માટે કોઈ વિસ્તાર પ્રતિબંધિત હોતો નથી.

સિંહોને તેમની બાઉન્ડ્રી (ટેરિટરી)ની ખબર હોય છે. સિંહોની ટેરિટરી રેલવે નકકી ન કરી શકે. આ બંને અકસ્માતો કઈ રીતે થયા? શું તમે કોઈ ઈન્કવાયરી ક્રી? રેલવે અને ફોરેસ્ટની કમીટી છે તો શું આ કમીટીને કંઈ ખબર છે? સિંહોના અકસ્માત ન થાય એ તમે સુનિશ્ર્ચિત કરો છો, એ માની લઈએ તો પછી આ બે અકસ્માત કઈ રીતે થયા? અને અકસ્માત બાદ તમે શું કર્યું? શા કારણે અકસ્માત થયા એની તપાસ કરી? સિંહો એકાએક આવી ગયા એવો જવાબ કઈ રીતે ચાલે?’

- Advertisement -

ખંડપીઠે એવી માર્મિક ટકોર કરી હતી કે, ‘સિંહો દોડતા નથી તે આરામથી ચાલે છે. શા માટે સિંહો એકાએક રેલવે ટ્રેક પર આવી જાય. સિંહ જંગલનો રાજા છે અને એવી રીતે જ વર્તે છે. જો તે ભૂખ્યો ન હોય તો એ કોઈ પણ જાનવરને મારી ખાવા તેની પાછળ પડતો નથી. સિંહ ભૂખ્યો ન હોય તો એ એની ખૂબ નજીક ઉભેલા પશુઓની સામે જુએ પણ નહીં. સિંહ જંગલનો રાજા છે અને એ પોતાના સામ્રાજયની રક્ષા કરે છે. જયારે જરૂર પડે ત્યારે જ શિકાર કરે છે.’

ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે, ‘સિંહોની વસતી વધવી જોઈએ નહીં કે ઘટવી જોઈએ. સિંહ જંગલનો રાજા છે અને તેઓ પોતાની ટેરિટરી જાતે નકકી કરે છે. આપણે એની ટેરિટરી નકકી ન કરી શકીએ. કાયદો રાજાથી પણ ઉપર છે (લો ઈઝ ધી કિંગ ઓફ ધી કિંગ્સ), પરંતુ એ કાયદો જંગલના રાજા સિંહ પર લાગુ ન થાય.

સિંહ પોતાના કાયદા જાતે જ બનાવે છે. જો તમે યોગ્ય આયોજનો નહીં કરો તો અમે બધા ટ્રેક બંધ કરીને બીજા ટ્રેક પરથી જવાનો અથવા અંડરગ્રાઉન્ડ કોરિડોર બનાવવાનો આદેશ કરીશું.’ હાઈકોર્ટે રેલવે અને વન વિભાગને સાથે બેસીને નકકર આયોજનો કરીને નવેસરથી સિંહોના રક્ષણ માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટીવ પ્રોસીઝર્સ ઘડવાનો આદેશ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular