જામનગ શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા તીનબતિ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી એક સાથે ચાર ચાર દુકાનના પતરા તોડીને ચોરી કરી ગયાની ઘટનાએ વેપારીઓેમાં ફફડાટ ફેલાવી દીધો છે. અગાઉ પણ આ દુકાનોમાં ચોરી થયાની ઘટના બની હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસેના મુખ્ય વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ સ્વીટ અને કરિયાણાની દુકાન સહિત ચાર દુકાનના પતરા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી. આ ચાર દુકાનોમાંથી ચોરી થયાની ઘટનાએ શહેરના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. થોડા સમય અગાઉ પણ આ વિસ્તારમાં આ જ રીતે ચોરી થયાની ઘટના બની હતી. ત્યારબાદ ફરીથી આ જ વિસ્તારમાં આજ દુકાનોમાંથી ચોરી થયાની ઘટનાએ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને આજુબાજુની દુકાનોમાંથી સીસીટીવી ફુટેજો મેળવી ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દુકાનોમાંથી કેટલાની કિંમતનો માલ સામાન કે રોકડની ચોરી થઈ તે અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. પ્રાથમિક તારણમાં દુકાનોમાંથી સામાનની ચોરી થઈ હોવાનો અંદાજે પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.