જામનગર શહેરના બેડી વિસ્તારમાં સાયચા શખ્સો દ્વારા સરકારી તથા ખાનગી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતાં અને આલિશાન બંગલાઓ પણ બનાવી લેવામાં આવ્યાં હતાં. સાયચા પરિવારના શખ્સો દ્વારા હાલમાં જ શહેરના એડવોકેટ હારૂન પલેજાની નિર્મમ હત્યા કરવાની ઘટનાથી શહેરમાં અરેરાટી ફેલાઈ ગઇ હતી આ હત્યા પ્રકરણમાં 15 જેટલા શખ્સો વિરૂધ્ધ પોલીસે પૂર્વ આયોજીત કાવતરુ રચી હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
એડવોકેટની હત્યામાં સંડોવાયેલા સાયચા પરિવારના શખ્સો દ્વારા બેડી વિસ્તારમાં સરકારી અને ખાનગી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો અને બંગલાઓ બનાવી લેવામાં આવ્યાં હતાં. આ ગેરકાયદેસર દબાણો સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સરકારી અને ખાનગી જમીનો ઉપર ખડકી દેવાયેલા આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે આજે સવારથી જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી જે.એન. ઝાલા તથા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી.