જામનગર જિલ્લાના મેઘપર ગામ નજીક આવેલા કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા સમયે હાથ બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા શ્રમિક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતો અને વેલ્ડીંગ કામ કરતો હરપાલભાઈ ડાયાભાઈ ચોપડા (ઉ.વ.20) નામનો યુવક શુક્રવારે સવારના સમયે જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલા સનરાઈઝ નામના કારખાનામાં વેલ્ડીંગ કામ કરતો હતો ત્યારે ડ્રમ બેલ્ટમાં ડાબો હાથ આવી જતાં ખંભા નીચે ચીરાઈને હાડકુ ભાંગી જતા લોહીલુહાણ થઈ જવાથી ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ડાયાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.