જામનગર-કાલાવડ રોડ પર મતવા થી મોડપર તરફના રસ્તે જઈ રહેલા પ્રૌઢને પાછળથી પૂરપાટ આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજાવ્યાના બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ચારણ પીપરીયા ગામમાં રહેતાં વસુભાઈ ધાંધણિયા નામના પ્રૌઢ ગુરૂવારે સવારના સમયે મતવા ગામથી મોડપર તરફ જતાં હતં તે દરમિયાન પાછળથી પૂરપાટ આવી રહેલી જીજે-03-એનબી-8779 નંબરની કારના ચાલકે પ્રૌઢને ઠોકર મારી પછાડી દેતા માથામાં તથા ગોઠણના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર અરવિંદભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે નાશી ગયેલા રાજકોટના કારચાલક ધવલ વાઘેલા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.