દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચાલી રહેલી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓમાં અહીંના જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તેમજ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.
ગઈકાલે બુધવારે ભાણવડમાં એક પરીક્ષાર્થીને ચાલુ પરીક્ષા દરમિયાન તકલીફ થવા લાગતા અને અનુલક્ષીને તાકીદે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તેને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. હોસ્પિટલમાં આ વિદ્યાર્થીને બાટલો ચડાવીને સ્વસ્થ થયા બાદ આ વિદ્યાર્થીને શાળાના અલગ રૂમમાં વોર્ડ ઊભો કરીને બાટલા ચડાવતા પેપર લખી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
આ માટે અહીંના જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા જિલ્લામાં એક પરીક્ષા સેન્ટરમાં ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થી બેભાન થઈ જતા તેને પણ 108 ની મદદથી સારવાર કરી, ફરી પરીક્ષા આપી શકે તે માટે તૈયાર કરાયો હતો. અન્ય એક બનાવમાં એક પરીક્ષાર્થીને ચક્કર આવતા તેના માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરી, અન્ય એક વિદ્યાર્થીને પણ વાય આવતા તેની પણ સારવાર કરવામાં આવી હતી.
દ્વારકા જિલ્લામાં જિલ્લા પરીક્ષા સમિતિના પ્રમુખ કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની પરીક્ષા વ્યવસ્થા તથા પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી ચેકિંગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. જાડેજા દ્વારા પણ પરીક્ષાર્થીઓને રાત્રે ઉજાગરો ન કરવા, ટેન્શન વગર પરીક્ષા આપવા, હળવો નાસ્તો કરીને આવવા તથા શાંત ચિતે અને પરીક્ષાના હાઉ વગર પરીક્ષા આપવા અપીલ કરવામાં આવી છે.