ગત ગુરૂવારે યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના કેટલાંક મુખ્ય માર્ગોની સફાઈ માટે છ સ્વીપર મશીન ખરીદવા રૂા.15 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ 6 સ્વીપર મશીનોમાં પાંચ ટ્રક માઉન્ટેડ સ્વીપર મશીન તથા એક સેલ્ફ પ્રોપેલ્ડ રોડ સ્વીપર મશીનનો સમાવેશ થાય છે. જામ્યુકોના આ નિર્ણયથી એક પ્રશ્ર્ન ઉભો થયો છે કે, શું જામનગર જેવા શહેરને 15 કરોડના સ્વીપર મશીનની જરૂર છે ખરી ? શહેરમાં મશીનરી આધારિત સફાઈ કામગીરીની આવશ્યકતા છે ખરી ?
સામાન્ય રીતે મશીનરીનો એવી જગ્યાએ અને એવા કામ માટે ઉપયોગ કરવામાં આવે છે જ્યાં સમય અને મેન પાવરનો અભાવ હોય અથવા તો મેન પાવરથી તે કામ શકય ન હોય અથવા ઓછા સમયમાં વધુ કામ કે ઉત્પાદનની આવશ્યકતા હોય. વિકસિત દેશોમાં મેન પાવરનો અભાવ છે જેને કારણે ત્યાં મજૂરી ખૂબ જ મોંઘી પડે છે તેવા સંજોગોમાં અહીં મશીનરી આધારિત કામનું ચલણ વધારે છે અને તે મેન પાવર કરતા સસ્તુ પણ પડે છે પરંતુ, આપણાં દેશની વાત જુદી છે. અહીં બેરોજગારીની ગંભીર સમસ્યા છે. લોકો કામ માટે વલખા મારી રહ્યા છે. વિકસિત દેશોની સરખામણીએ મેન પાવર ખૂબ જ સસ્તો છે ત્યારે જામનગર મહાનગરપાલિકાનો નિર્ણય આશ્ર્ચર્ય સાથે અનેક પ્રશ્ર્નો પણ ઉભા કરે છે.
એક ગણતરી મુજબ દૈનિક 500 રૂપિયાના મહેનતાણા સાથે રોજ 50 સફાઈ કામદારો પાસે રોડ સફાઈની કામગીરી કરાવવામાં આવે તો મશીનના રૂપિયા 15 કરોડના ખર્ચમાં આ 50 વ્યક્તિને 32 વર્ષ સુધી રોજગારી આપી શકાય. આમ 50 પરિવારના ઘરનો ચુલો 32 વર્ષ સુધી પ્રજ્વલિત રાખી શકાય. જ્યારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુમાં વધુ 10 વર્ષ સુધી જ કામ આપી શકે અને તે પણ મેન્ટેનન્સ પાછળ બીજું લાખોનું ખર્ચ કર્યા પછી. આપણાં દેશમાં મેન પાવરની કોઇ કમી નથી અને રોજગારીની સમસ્યા મોં ફાડીને ઉભી છે ત્યારે જે કામ વધુ રોજગારી આપે તેને પ્રાથમિકતા આપવી જોઇએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ અંગે્રજો સામેની ચળવળ દરમિયાન અંગે્રજોની મશીનરી આધારિત કાપડ મિલોનો સખ્ત વિરોધ કર્યો હતો. કાપડ-વણાટ ઉદ્યોગમાં મશીનરીના આગમનને કારણે દેશના હજારો કામદારોની રોજગારી પર સીધી અસર પડી હતી. ટેકનોલોજી અને મશીનરી આવકાર્ય છે પરંતુ તેનો જરૂરિયાત અને વિવેકબુધ્ધિપૂર્વક ઉપયોગ થવો જોઇએ. અન્યથા ભારત જેવા દેશમાં મશીનરીનો વધુ પડતો ઉપયોગ આશિર્વાદને બદલે અભિશાપ બની શકે છે.
હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કેટલાંક મુખ્ય માર્ગોની સફાઈ આ વેક્યુમ મશીન દ્વારા કરવામાં આવી રહી છે. આ મશીન કેવું અને કેટલું કામ કરે છે ? તેનાથી શહેરીજનો વાકેફ જ છે. આ મશીન રસ્તાની એક તરફ એટલે કે ડીવાઈડર તરફ સફાઈ કરે છે અને તે પણ વેકયુમ દ્વારા ધુળ-માટીને શોષે છે કોઇ મોટા કચરાની સફાઈ આ મશીન દ્વારા થઈ શકતી નથી. આ ઉપરાંત ચોમાસા દરમિયાન પણ આ મશીન બિનઉપયોગી થઈ રહે છે. અહીં પ્રશ્ર્ન એ પણ ઉપસ્થિત થાય છે કે ડસ્ટ ફ્રી (ધૂળ મુકત) માર્ગ રાખી શકાય તેવા માર્ગો શહેરમાં ઉપલબ્ધ છે ખરા ? મુખ્ય કેટલાંક માર્ગોની એક તરફની સફાઈ સિવાય અન્ય કોઇ રસ્તાની સફાઈ આ મશીન દ્વારા કરી શકાતી નથી. કેમ કે તે ગુણવતાવાળા રસ્તઓ જ નથી. વાત મુખ્ય રસ્તાઓની સફાઈની જ છે તો આ કામ માટે સફાઈ કામદારો રાખી શકાય છે. પાંચ રસ્તાઓ માટે 50 કામદારો રાખવામાં આવે તો પણ તે 32 વર્ષ સુધી રસ્તાની સફાઈ કરી શકે અને તે પણ મશીન કરતાં વધુ સારી રીતે અને રસ્તાની બધી બાજુ. અન્ય કોઇ શહેરોનું આંધળુ અનુકરણ કરવું યોગ્ય નથી. નિર્ણય હંમેશા જરૂરિયાત મુજબ લેવાવા જોઇએ. સરકાર ગ્રાન્ટ આપે છે એટલે મશીન વસાવી જ લેવા જરૂરી નથી. આ ગ્રાન્ટનો અન્ય કોઇ જગ્યાએ અન્ય કામમાં પણ ઉપયોગ થઈ શકે છે. રોજગારી આપવા માટે પણ આ 5ંદર કરોડ રૂપિયાનો ઉપયોગ થઈ શકે છે. જામ્યુકોના સત્તાધિશોએ થોડું ‘હટકે’ વિચારવાની જરૂર છે.