ગુજરાતનો છેવાડાનો વિસ્તાર બેટ દ્વારકાએ ચારેય બાજુથી દરીયાઇ વિસ્તાર ધરાવતો ટાપુ છે. ધાર્મિક દ્રષ્ટીએ આ સ્થળે ભગવાન શ્રી દ્વારકાધીશનું નિવાસ સ્થાન આવેલું છે. જેના કારણે આ વિસ્તાર ધાર્મિક આસ્થાના કેન્દ્રની સાથોસાથ પર્યટક સ્થળ તરીકે પણ ખૂબ જ પ્રસિધ્ધ બની ચૂક્યું છે. ગુજરાત રાજયના પ્રથમ આઇલેન્ડ પોલીસ સ્ટેશન બેટ દ્વારકાનું ગઈકાલે સોમવારે લોકાર્પણ કરાયું હતું.
છેલ્લા ઘણા દાયકાઓથી આ સ્થળ ધાર્મિક તેમજ પર્યટનની દ્રષ્ટિએ વિશ્ર્વ વિખ્યાત બની રહ્યું હોવાથી સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પર્યટકો સહિત અનેક ધાર્મિક આસ્થા ધરાવતા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે અહીં આવે છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જમીનથી જમીનને સાંકળતો ઓખાથી બેટ દ્વારકાને જોડતો અતિ મહત્વનો એવો સુદર્શન બ્રીજ તૈયાર કરાવી તેને ખૂલ્લો મુકવામાં આવેલ છે. જેથી હાલની તેમજ ભવિષ્યની દ્રષ્ટિએ આ સ્થળે વિશાળ પ્રમાણમાં દર્શનાર્થીઓ તથા પર્યટકો ઘસારો રહેનાર છે. સાથોસાથ આ સ્થળ પાકિસ્તાનથી પણ સૌથી નજીક દરીયાઇ સીમા ધરાવતો પ્રદેશ છે. જેથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળનનું મહાત્મય ખૂબ જ વધારે થઇ ગયેલ છે. આ સમગ્ર પરીસ્થિતિને ધ્યાને લઇ તેની મહત્વતાને ગંભીરતાથી સમજી ગુજરાત રાજયના મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રીએ દ્વારા અભૂતપૂર્વ નિર્ણય લઇ બેટ દ્વારકા ખાતે એક અલગથી ગુજરાત રાજયનું પ્રથમ એવુ આઇલેન્ડ પોલીસ સ્ટેશન મંજુર કરવામાં આવેલ છે. જેનુ આજરોજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા અન્ય રાજકીય તથા સ્થાનિક આગેવાનોના હસ્તે તથા ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના નિર્ણયને ગંભીરતાથી લઇ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ અધતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશનમાં બેટ દ્વારકા ખાતે આવતા શ્રધ્ધાળુઓ તેમજ પર્યટકોને કોઇ યાતના કે મુશ્કેલીનો ભોગ ન બનવુ પડે તેમજ આ વિસ્તારમાં કાયમી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં બાયનોકયુલર, ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ, સેન્ડ બાઇક (એટીવી), થ્રીડી મેપીંગ જેવી આધુનિક ટેક્નોલોજીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેનાથી આ વિસ્તારમાં સુગમ રીતેની ટ્રાફીક વ્યવસ્થાની જાળવણી, ક્રાઉડ કંટ્રોલ, ડ્રગ્સ ગતિવિધ ઉપર નિયંત્રણ, રાષ્ટ્ર વિરોધી તત્વો ઉપર નિયંત્રણ, ધાર્મિક યાત્રાળુને જરૂરી કાયદાકીય સગવડ, અનિષ્ટ તત્વો ઉપર કંટ્રોલ, વન્ય જીવ સૃષ્ટિનું રક્ષણ તેમજ દરીયાઇ સુરક્ષા જેમાં ખાસ કરીને મંદીર તથા લોકોના જાનમાલની સુરક્ષાની પુરતી સગવડ ઉપલબ્ધ રહેશે. સાથોસાથ સ્થાનિક રહીશો માટે પણ તેઓની સાથે થઇ રહેલા અન્યાય બાબતે તેઓને હવે ઓખા મરીન પોલીસ સ્ટેશન સુધી દુર જવુ નહી પડે અને સ્થાનિક કક્ષાએથી જ તેઓને પુરતો ન્યાય મળી રહેશે. આ રીતે પોલીસ પ્રજા નજીક જઇને તેઓના પ્રશ્ર્નોનું સરળતાથી નિરાકરણ લાવી એક સાચા મિત્ર તરીકે પોતાની ફરજ અદા કરી શકશે.