જામનગર શહેરના પટણી વાડ વિસ્તરમાં ગઈકાલે પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી અને આ વિસ્તરમાં વ્હાઈટહાઉસ નામની બિલ્ડિંગમાંથી મોટાપાયે વીજચોરી ઝડપી લઇ બિલ્ડિંગના વીજજોડાણ કાપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને સલાયા વિસ્તરામાંથી પણ 13.65 લાખની વીજચોરી ઝડપાઈ હતી.
જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં આવેલ પાનવાડા આરોગ્ય કેન્દ્ર નજીક આવેલ વ્હાઈટહાઉસ નામની બિલ્ડિંગમાં જામનગર પીજીવીસીએલની ટીમ દ્વારા સીટી એ ના પીઆઇ એન. એ. ચાવડા સહિતના સ્ટાફને સાથે રાખી વીજ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વ્હાઈટ હાઉસ બિલ્ડિંગમાંથી મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. આ વીજચોરી કરનાર બિલ્ડિંગના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતાં. પીજીવીસીએલની વીજીલન્સ ટીમના કડક ચેકીંગને લઇ વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
આ ઉપરાંત પીજીવીસીએલની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર તેમજ સલાયાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 14 જેટલી ટીમો દ્વારા છ એસઆરપી સહિતની ટીમ સાથે હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં કુલ 134 વીજજોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 20 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.13.65 લાખના વીજ પુરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં.