કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા બે યુવાનો પાવર હાઉસ નજીક વિજ વાયરને અડકી જતા આ બંને યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
આ બનાવ અંગે પોલીસ સુત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા હરભમભાઈ રામજીભાઈ વાઘેલા (ઉ.વ. 28) અને તેમના બનેવી અરશીભાઈ કાંતિભાઈ ચૌહાણ (ઉ.વ. 40) નામના બે દેવીપુજક યુવાનો ગઈકાલે સોમવારે સાંજના સમયે પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકા – પોરબંદર હાઈવે પર ભોગાત ગામના વાડી વિસ્તાર નજીક રહેલા 66 કે.વી. પાવર હાઉસની સામેથી પસાર થતા એકાએક તેઓનું મોટરસાયકલ પાવર હાઉસની સામે રહેલા જીવંત વીજ વાયરને અડકી જતા આ તારમાંથી ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થયો હતો. જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા હરભમભાઈ તથા અરશીભાઈના કરૂણ મૃત્યુ નિપજયા હતા.
આ બનાવ અંગે રમેશભાઈ કાંતિભાઈ ચૌહાણ એ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.