જામનગર પોલીસે એક શહેરીજનના ખોવાયેલા રૂા. 1.95 લાખની કિંમતના દાગીના ગણતરીના સમયમાં શોધી તેને પરત આપી સરાહનિય કામગીરી બજાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં નિલેશ ઝવેરચંદ કરણીયા આરામ હોટલ પાસે આવેલી તનિષ્ક જવેલર્સમાંથી સોનાના સેટ તથા બુટી ખરીદીને જતા હતા ત્યારે આ સોનાના ઘરેણાં કોઇ જગ્યાએ પડી ગયા અંગેની રજૂઆત પોલીસને કરી હતી. જેની રજુઆતના અનુસંધાને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ અધિક્ષક જે.એન. ઝાલા તથા ડીપી વાઘેલાએ આપેલી સૂચનાના અનુસંધાને સીટી બી ડિવીઝનના પીઆઇ એચ.પી. ઝાલા તથા સિકકા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર આર.એચ. બાર તથા તેમના સ્ટાફે તુરંત કાર્યવાહી હાથ ધરી તેમજ ટેકનિકલ ટીમની મદદથી સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જેમાં શો-રૂમ બહાર એક મહિલા તથા બાળકોને દાગીનાનું પાકિટ મળ્યુ હોવાનું જણાતું હતું. તપાસક રતાં આ મહિલા બેડ ગામે રહેતી હોવાનું જાણવા મળતાં પોલીસે બેડ ગામે પહોંચી જઇ દાગીના ભરેલા પર્સ અંગે મહિલાની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમ્યાન આ મહિલાને દાગીનનું પર્સ મળ્યું હોવાનું જણાવતાં પોલીસે બેડની સંગીતાબેન નરેશભાઇ રાઠોડ નામની મહિલા પાસેથી તે કબજે લઇ તેના મૂળ માલિક નિલેશભાઇ કરણીયાને ખરીદી અંગેની ખરાઇ કર્યા બાદ પરત સોંપી આપ્યું હતું. આમ જામનગર અને સિકકા પોલીસની ટીમે સંકલનથી કામગીરી કરી શહેરના નાગરિકને રૂા. 1.95 લાખના દાગીના શોધીને પરત કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી તેમજ પોલીસ પ્રજાનો સાચો મિત્ર હોવાનું પ્રતિત કરાવ્યું હતું.