જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્કથી આવાસ તરફ જવાના રોડ પર ચાર શખ્સોએ પટેલ પ્રૌઢ અને તેના પુત્રને ઉપર અમુક જ્ઞાતિના લોકોને મકાન ન આપવાની બાબતે લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શ્રીજી હોલ પાસે રહેતાં અશોકભાઈ નારાણયભાઈ ગુંડારા નામના પટેલ પ્રૌઢ તેના પુત્ર ચિંતન સાથે એમ્યુઝમેન્ટ પાર્કથી આવાસ તરફ જવાના માર્ગ પર ઉભા હતાં તે દરમિયાન અંધાશ્રમ આવાસ પાસે રહેતો અનિલ મેર અને ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને પ્રૌઢ અને તેના પુત્ર ઉપર તમે અમુક જ્ઞાતિના લોકોને મકાન આપતા નથી તે બાબતે બોલાચાલી કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં પ્રૌઢ પિતા-પુત્ર બંનેને ઈજા પહોંચી હતી. ત્યારબાદ ચારેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી હતી. હુમલો કરી ગાળો કાઢયાના બનાવમાં ઘવાયેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે અનિલ મેર સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.