જામનગર શહેરમાં અંધાશ્રમ પાસે આવેલા ઓવરબ્રીજ નીચેથી પસાર થતા ભરવાડ યુવકને મોડીસાંજના સમયે બે અજાણ્યા શખ્સોએ આંતરીને પતાવી દેવાની ધમકી આપી યુવકે પહેરેલું ચાંદીનું કડુ અને મોબાઇલની લૂંટ ચલાવી નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં તીરૂપતિ સોસાયટી મહાદેવ મંદિરની બાજુમાં રહેતો અને ચા ની હોટલમાં નોકરી કરતી દેવશીભાઈ પરબતભાઈ ચીરોડિયા (ઉ.વ.21) નામનો ભરવાડ યુવક ગત તા.05 ના રોજ સાંજના 08 વાગ્યાના અરસામાં અંધાશ્રમ પાસે આવેલા રેલવે ઓવરબ્રીજ નીચેથી પસાર થતો હતો. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ દેવશીને આંતરીને પતાવી દેવાની ધમકી આપી હાથમાં પહેરેલ રૂા. 20 હજારની કિંમતનું ચાંદીનું કડુ અને ખીસ્સામાં રહેલો રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ સહિત કુલ રૂા.30 હજારનો સામાન લૂંટી પલાયન થઇ ગયા હતાં. ત્યારબાદ યુવકે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઇ વી.ડી. બરસબિયા તથા સ્ટાફે યુવકના નિવેદનના આધારે બે અજાણ્યા લૂંટારુઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.