મહાશિવરાત્રીએ ભગવાન શંકરની રાત્રીપૂજાનો ખાસ દિવસ છે. દેશભરમાં શિવ અને શક્તિના આ મિલનનો દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. મહાશિવરાત્રી હિન્દુ સંસ્કૃત્તિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. ત્યારે છોટીકાશીના તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠયા છે. આજે વહેલી સવારથી જ ભગવાન શંકરની પૂજા માટે ભક્તો શિવાલયોમાં ઉમટી પડયા છે. આજે સવારથી જ તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છ. લોકો ભોળાનાથના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા છે. જ્યારે સવારથી જ લઘુરૂદ્ર અને ભોળાનાથની પૂજા કરતાં લોકો જોવા મળી રહ્યા છે. આજના દિવસે ભાંગની પ્રસાદીનું ખાસ મહત્વ જોવા મળે છે. ત્યારે રામેશ્ર્વર વિસ્તારમાં આવેલા રામેશ્ર્વર મહાદેવમાં ત્યાંના ટ્રસ્ટી અને કોર્પોરેટર કિશનભાઇ માડમ અને તેની ટીમ દ્વારા ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છોટીકાશીના કાશિ વિશ્ર્વનાથ મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજના દિવસે ચાર પહોરની પૂજાનું ખૂબ મહત્વ જોવા મળે છે. જ્યારે આ સાંજે 6 વાગ્યે પ્રથમ પહોર રાત્રે 9 વાગ્યે બીજી પૂજા રાત્રે 12 વાગ્યે ત્રીજા પહોરની પૂજા જ્યારે રાત્રે 3 વાગ્યે ચોથા પહોરની પૂજા કરવામાં આવે છે. દૂધ, જલ, બિલીપત્રનો અભિષેક કરીને લોકો ભોળાનાથની શ્રધ્ધાપૂર્વક પૂજા કરે છે.