Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં માથાભારે શખ્સો દ્વારા છરીની અણીએ ખંડણી માંગી લૂંટ

ખંભાળિયામાં માથાભારે શખ્સો દ્વારા છરીની અણીએ ખંડણી માંગી લૂંટ

- Advertisement -

ખંભાળિયામાં રહેતા બે શખ્સો દ્વારા અહીંના સ્થાનિક વેપારીઓ – રહીશોને છરીની અણીએ ડરાવી, રોકડ રકમ સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવવા તથા ખંડણી ઉઘરાવવા અંગેની જુદી જુદી ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

ખંભાળિયામાં કલ્યાણરાયજીના મંદિરની પાછળના ભાગે આવેલા વોરા વાડ ખાતે રહેતા મોઈજ ફજલેહુશેન હાસાણી નામના 62 વર્ષના વોરા વૃદ્ધને બુધવારે મોડી રાત્રિના સમયે અહીંના પાંચ હાટડી ચોક તથા ખામનાથ પાસે આવેલા નવડેરા નજીકના દરગાહ ખાતે રોકીને આરોપી સબીરમીયા અજીજમીયા બુખારી તથા મુકસુદ ઉર્ફે મખી નામના બે શખ્સો દ્વારા પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી છરી બતાવીને મોટરસાયકલ પર બેસાડીને અપહરણ કરી ગયા હતા.

બંને આરોપીઓ દ્વારા ફરિયાદી મોઈજ હાસાણીને છરી બતાવી અને તેમના ખિસ્સામાં રહેલા રૂપિયા 1200 રોકડા તથા નોકિયા કંપનીનો કી-પેડ વાળો ફોન તેમજ અન્ય એક એન્ડ્રોઇડ ફોન તથા સેન્ટ્રલ બેન્કનું એ.ટી.એમ. કાર્ડ લૂંટી લીધું હતું.

- Advertisement -

આ એ.ટી.એમ.માંથી લૂંટની માંગણીના રૂપિયા ઉપાડવાની કોશિશ કરી તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીઓએ દરગાહના રૂમમાં તેમને પૂરી દઈ અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી, તેમનું રૂપિયા 30,000 ની કિંમતનું હોન્ડા એવીએટર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 32,200 ના મુદ્દામાલની લૂંટ ચલાવી હોવા અંગેની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

જેને ધ્યાને લઈને ખંભાળિયા પોલીસે આરોપી સબીરમીયા બુખારી તથા મકસુદ ઉર્ફે મખી સામે આઈપીસી કલમ 365, 394, 504, 506 (2), 342, 34 તથા જી.પી. એક્ટની કલમ 135 (1) હેઠળ ગુનો નોંધી, અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા ગઈકાલે ગુરુવારે જ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત અન્ય એક બનાવમાં આરોપી સબીરમીયા અજીજમીયા બુખારી તથા મકસુદ ઉર્ફે મખી ગઈકાલે ગુરુવારે મધ્યરાત્રીના સમયે અહીંના પાંચ હાટડી વિસ્તારમાં ચાંદાણી ચકલા પાસે રહેતા સફીભાઈ રજાકભાઈ પોપટપોત્રા નામના 43 વર્ષના મુસ્લિમ સૈયદ વેપારી યુવાનના ઘરમાં છરી સાથે ધસી આવ્યા હતા. લૂંટ કરવાના ઇરાદાથી ઘરનો દરવાજો ટપી અને ઘૂસી આવેલા બંને આરોપીઓએ સફીભાઈના ઘરના સભ્યોને ચાકુ બતાવીને બાનમાં લીધા હતા. આ પછી આરોપીઓએ ફરિયાદી સફીભાઈના પુત્ર તોકીરના ગળા પર છરી રાખી અને ફરિયાદી સફીભાઈ સાથે ફોનમાં વાત કરી રૂપિયા એક લાખની બળજબરીપૂર્વક માંગણી કરી હતી અને જો તેઓ પૈસા નહીં આપે તો તેમના દીકરા તોકીર તથા ઘરના બીજા સદસ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી, બિભત્સ ગાળો કાઢી હતી.

આ પ્રકરણમાં બંને આરોપીઓએ છરી વડે હુમલો કરી, પૈસાની માંગણી કરતા ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 364 (એ), 504, 506 (2), 34 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અહીંના પોલીસ મથકમાં નોંધાયેલી ત્રીજી ફરિયાદમાં અહીંના વોરા વાડ વિસ્તારમાં આવેલી ધાણી શેરી ખાતે રહેતા વેપારી હાતીમ સૈફુદીનભાઈ સરફઅલી દલાલ (ઉ.વ. 33) ના રહેણાંક મકાનમાં આરોપી મકસુદ ઉર્ફે મખી સુમાર સમા અને સબીરમીયા અજીજમીયા બુખારીએ રાત્રિના આશરે અઢી વાગ્યાના સમયે ગુનાહિત ઇરાદાથી પૈસા પડાવવાના હેતુસર અને અનધિકૃતરીતે ગૃહ પ્રવેશ કરી અને રૂપિયા એક લાખની માંગણી કરી અને છરીની અણીએ ફરિયાદી હાતીમભાઈને અટકાયતમાં આખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ફરિયાદી હાતીમભાઈ પાસે નાણાંની સગવડ ન હોવાથી તેના કાકા સબીરભાઈને વિડીયો કોલ કરીને ફરિયાદી તથા તેમના ઘરના સભ્યોને છરીની અણીએ બાનમાં રાખી, રૂપિયા એક લાખ નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આમ કરી અને આરોપીઓએ બળજબરી પૂર્વક ગુગલ-પે મારફતે રૂપિયા 4,500 કઢાવીને નાસી છૂટ્યા હતા.

આ પ્રકરણમાં પોલીસે હાતીમભાઈ દલાલની ફરિયાદ પરથી બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 364 (એ), 452, 504, 506 (2), 34 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તમામ ગુનાઓમાં આરોપીઓને પોલીસે ગત સાંજે જ દબોચી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular