ગેંગરેપ અને દુષ્કર્મના કેસમાં મધ્યપ્રદેશના વલીરાજપુરના ત્રણ આરોપીઓને જામનગર સેશન્સ અદાલત દ્વારા 20-20 વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનારને રૂા. 10,50,000 વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ દાહોદ જિલ્લાના ધાનપુરના એક ખેતમજુર પરિવાર કાલાવડ તાલુકામાં મજુરીકામ અર્થે પરિવાર સાથે ચાર વર્ષ પહેલા ખેતમજૂરી અર્થે આવ્યા હતાં અને ત્યાં આ કામના આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના અલિરાજપુર જિલ્લાના જોખટના હીમેન ચેતનસિંગ બગેલ, દિનેશ કેસમસીંગ કટારીયા, સુનિલ ગુલાબસિંગ અજનાર વગેરેનાઓ મજુરીકામ અર્થે બાજુમાં આવેલ અનય ખેતરમાં મજુરીકામ કરતાં હોય આ દરમિયાન ત્રણે આરોપીઓ એકસંપ થઇ એક દિવસ મોડીરાત્રીના આ ધાનપુરના ખેતમજુર પરિવાર સુતો હતો ત્યારે આ મજુર પરિવારની 14 વર્ષની સગીરાને બદઇરાદાથી અન્ય જગ્યાએ આવેલ કપાસના ખેતરમાં મોડીરાત્રીએ લઇ જઇ સામુહીક ગેંગરેપ દુષ્કર્મ કર્યું હતું. જે અંગે ખેતમજુર પરિવારની મહિલા ફરીયાદીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણે આરોપીઓને અટક કરી અદાલતમાં રજુ કરતા અદાલત દ્વારા ત્રણે આરોપીઓને જ્યુ.કસ્ટીડીમાં મોકલી આપ્યા હતાં. ત્યારબાદ આ ગુનાનું ચાર્જશીટ તૈયાર કરી અદાલત સમક્ષ રજુ કર્યું હતું. જે કેસમાં અદાલતે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ કેસના ત્રણે આરોપીઓને દોષિત જાહેર કરી દરેક આરોપીઓને 20-20 વર્ષની જેલ સજા તથા દરેક આરોપીઓને રૂા. 10-10 હજારનો દંડ તથા જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજાનો હુકમ કર્યો છે અને ભોગ બનનારને રૂા. 10,50,000 વળતર પેટે ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરને હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જામનગરના જાણીતા સિનિયર સરકારી વકીલ મુકેશકુમાર પી. જાની રોકાયા હતાં. આ ચુકાદો જામનગર પોકસો કોર્ટના ન્યાયધિશ એ.એ. વ્યાસ દ્વારા આપવામાં આવેલ છે.