કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાંથી પસાર થતા સ્વીફટ કારને આંતરીને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા કારમાંથી 98 હજારની કિંમતની દારૂની 196 બોટલ મળી આવતાં પોલીસે રૂા.4.17 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચી લઇ આગળની પૂછપરછ હાથ ધરી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં નદીના પુલ પર પસાર થતી જીજે-01-કેઈ-8171 નંબરની સ્વીફટ ડીઝાયર કારને કાલાવડ ગ્રામ્ય પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.98 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની જુદી જુદી બનાવટની 196 બોટલો મળી આવતા પોલીસે બોટાદ જિલ્લાના તુરખા ગામના કાળુ ઉર્ફે કાળિયો જાદવ બાવળિયા, છત્રપાલ ઉર્ફે સતુભા સુરેશ બસીયા અને મકાજી મેઘપર ગામના હરજી ધનજી ગમારા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં અને તેમની પાસેથી રૂા.19500 ની કિંમતના જુદી જુદી કંપનીના ચાર મોબાઇલ ફોન અને ત્રણ લાખની કિંમતની કાર મળી કુલ રૂા.4,17,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.