જામનગર શહેરમાં બેડી બંદર રોડ પરના બેડીના ઢાળિયાથી ગરીબનગર સુધીના સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ખડકી દેનાર સાયચા પરિવારના બે શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર બેડીના ઢાળિયાથી ગરીબનગર પાણાખાણ સુધીના માર્ગ પર આવેલી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કરી રજાક નુરમામદ સાયચા અને હનિફ નુરમામદ સાયચા નામના બે શખ્સોએ રેવન્યુ સર્વે નંબર 40 પૈકીની સરકારી જમીન ઉપર બંગલા બનાવી લીધા હતાં. આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બંગલા બનાવી લીધાની જાણના આધારે જામનગર શહેર મામલતદારના સર્કલ ઓફિસર હિતેશભાઈ જાદવ દ્વારા રજાક નુરમામદ સાયચા, હનિફ નુરમામદ સાયચા નામના બંને શખ્સો વિરૂધ્ધ સીટી બી ડીવીઝનમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે સાયચા પરિવારના બે શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ સાયચા પરિવાર દ્વારા ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.