જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી મહિલાએ અગમ્યકારણોસર તેણીના ઘરે ચૂંદડી વડે પંખાના હૂંકમાં ગળેટૂંકો દઇ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થનગરમાં રહેતી હેતલબેન હિતેશભાઈ મણવર (ઉ.વ.32) નામની મહિલાએ સોમવારે બપોરના સમયે તેના ઘરે રૂમના પંખાના હૂંકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કેશવભાઇ રાઠોડ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો અને પોલીસ દ્વારા મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેની તપાસ શરૂ કરી હતી.