લાલપુર પંથકમાં રહેતા પ્રૌઢ દંપતી તેના બાઈક પર ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પાટીયા પાસેથી પસાર થતા હતાં તે દરમિયાન બાઈકના ટાયરમાંથી હવા નિકળી જતાં કાબુ ગુમાવતા અકસ્માતમાં પ્રૌઢાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રહીશ ધીરુભાઈ વિઠ્ઠલભાઈ સીતાપરા નામના 55 વર્ષના કોળી આધેડ ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમના મોટરસાયકલ પર તેમના પત્ની ટયમુબેન ઉર્ફે કસ્તુરબેન ધીરુભાઈ સીતાપરા (ઉ.વ. 50) ને સાથે લઈને જઈ રહ્યા હતા, ત્યારે ભાણવડ નજીકના વાનાવડ ગામના પાટીયા નજીક પહોંચતા મોટરસાયકલના ટાયરમાંથી હવા નીકળી જતા પાછળ બેઠેલા ટયમુબેન ઉર્ફે કસ્તુરબેન સીતાપરા ફંગોળાઈ ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ધીરુભાઈ સીતાપરાએ ભાણવડ પોલીસને જાણ કરી છે.