જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતાં યુવાન શુક્રવારે સાંજના સમયે વસંતપુર જવાના માર્ગ પરથી તેના બાઈક પર પસાર થતો હતો ત્યારે ચાલુ બાઈકે એકાએક આંચકી આવી જતાં બાઈક સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતો અને મજુરી કામ કરતો કિરીટભાઈ અરજણભાઈ ભારવાડિયા (ઉ.વ.28) નામનો યુવાન ગત શુક્રવારે સાંજના સમયે તેના બાઈક પર મોટા વડિયાથી વસંતપુર જવાના માર્ગ પર આવેલા ખેતરે જતો હતો ત્યારે રસ્તામાં ચાલુ બાઈક દરમિયાન એકાએક આચંકી આવતા બાઈક પરનો કાબુ ગુમાવી દેવાથી સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં કિરીટભાઈને શરીરે અને માથામાં મુંઢ ઈજાઓ થઈ હતી. યુવાનને છેલ્લાં છ મહિનાથી આચંકી આવતી હતી. દરમિયાન યુવાનને સારવાર માટે પ્રથમ જામજોધપુરની સીએચસી અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ જીતેશ દ્વારા જાણ કરાતા એએસઆઇ જે.ડી. મજીઠીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.