હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર હાલારમાં આજ સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેને કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. બીજી તરફ જામનગર શહેરમાં પણ સવારથી જ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા. તેમજ હળવા છાંટા પણ વરસ્યા હતા. સુસવાટા મારતાં પવનોને કારણે વાતાવરણમાં ટાઢોડું પ્રસરી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દ્વારકા પંથકમાં આજે સવારે ચઢતા પહોરે ગાજવીજ સાથે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. આ ઉપરાંત પવનનું જોર પણ બની રહ્યું હતું.
ખંભાળિયા શહેરમાં પણ વહેલી સવારે અમી છાંટણા બાદ આશરે 08:30 વાગ્યે ઘટાટોપ વરસાદી માહોલ વચ્ચે જોરદાર વરસાદી ઝાપટું લાંબો સમય વરસતા શહેરના માર્ગો પાણીથી તરબત્તર બની રહ્યા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઝાપટા વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી માવઠાના પગલે આજે સવારે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું હતું. આ વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી અને બજારો મોડી ખુલ્લી હતી.
બારાડી પંથક મા આજ સવાર થી જ હવામાન બદલાતા વરસાદી વાદળો નો જમવાડો થતા ધરતી પુત્રો ના જીવ પડીકે બંધાયેલ, ઉભા પાકો તેમજ ખેતરો મા પાથરા પડેલ હોય ત્યારે ધરતી પુત્રો ના જીવ પડીકે બંધાયા છે, હાલ વાદળો હટતા રાહત નો શ્વાસ લીધેલ, અત્યારે લખાય છે ત્યારે પણ આકાશ મા વાદળો છવાયા છે.