જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં યુવક ઉપર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર વિનાયક પાર્ક નદીના કાંઠે રહેતાં પ્રતાપભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.40) નામનો યુવાન એકલો રહેતો હતો અને તેની પત્ની તથા પુત્ર છેલ્લાં ત્રણ માસથી અલગ ભાડાના મકાનમાં રહેવા જતાં રહ્યાં હતાં. દરમિયાન શુક્રવારે સવારના સમયે પ્રતાપ તેના ઘર પાસે રીક્ષા નજીક લોહી લુહાણ હાલતમાં બેશુધ્ધ થઈ ગયો હતો. જે અંગેની જાણ પાડોશી દ્વારા પ્રતાપના ભાઈ ભીખાભાઈને કરવામાં આવી હતી. જેથી ભીખાભાઈએ પ્રતાપના સાળાને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ પ્રતાપભાઈને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત ન નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની જાણના આધારે પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયો હતો. અને મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના ભાઈ બાબુભાઈના નિવેદનના આધારે અજાણ્યા શખસો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસ દ્વારા હત્યાના બનાવમાં કયા કારણોસર પ્રતાપની હત્યા કરવામાં આવી ? અને કોણે કરી ? તે અંગે તપાસ હાથ ધરી હતી.