ધ્રોલ-ટંકારા નજીક થયેલ લૂંટના કેસનો ધ્રોલ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ ટ્રક, ચાર નંગ મોબાઇલ ફોન, મોટરકાર તથા રોકડ રકમ સહિત કુલ રૂા.24,26,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ-ટંકારા હાઈ-વે પર હરીપર ગામથી આગળ એક ટ્રકના ચાલકને રોકી સફેદ કલરની આઈ-20 મોટરકારના ચાલક તથા તેમની સાથે રહેલ અન્ય બે શખ્સોએ ટ્રકના ચાલકને નીચે ઉતારી માર મારી રોકડ, મોબાઇલ ફોન તથા ટ્રકની લૂંટ કરી મારી નાખવાાની ધમકી આપી નાશી ગયા હતાં. આ અંગેની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનના હેકો ધર્મેન્દ્રભાઈ વઘોરા તથા પો.કો. વનરાજભાઈ ગઢાદરાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી, ધ્રોલ સર્કલ સીપીઆઈ એ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પીએસઆઈ પી.જી.પનારા, આર.કે. કરમટા, એલસીબી જામનગર તથ હેકો ધર્મેન્દ્ર વઘોરા, પો.કો. વનરાજ ગઢાદરા, રવિરાજસિંહ જાડેજા, જગદીશ જોગરાણા, જયેશ પઢેરીયા, કરણભાઈ શિયાર સહિતના સ્ટાફ દ્વારા લખમણ દેવા ગરેજા, રમેશ રાજા કેશવાલા તથા નાગાજણ કેશુ ગોરાણીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂ.20 લાખની કિંમતનો ડીડી-01-એલ-9653 નંબરનો ટ્રક, રૂા.25000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન, રૂા.4 લાખની કિંમતની જીજે-10-સીએન-5352 નંબરની આઈટી-20 મોટરકાર તથા રૂા.1000 ની રોકડ સહિત કુલ રૂા.24,26,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.