જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતિને તેણીના નાનાભાઇ સાથે કામ કરવા બાબતે ઝઘડો થવાથી મનમાં લાગી આવતાં બે સપ્તાહપૂર્વે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતા યુવકની પત્નિ રીસામણે જતી રહેતાં પતિએ મકાનમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં બિમારીથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં રહેતી અને અભ્યાસ કરતી જયશ્રીબેન કમલેશભાઇ રાઠોડ (ઉ.વ.20) નામની યુવતિને થોડા દિવસો અગાઉ તેના નાનાભાઇ સાથે કામ કરવા બાબતે થયેલા ઝઘડાનું મનમાં લાગી આવતાં ગત તા. 4 ફેબ્રુઆરીના બપોરના સમયે તેણીના ઘરે રુમમાં પંખામાં ચુંડદી વળે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ગુરુવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા કમલેશભાઇ દ્વારા જાણ કરાતાં હેકો આર.કે. કંડોરીયા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી રંગમતિ આવાસ બી-વિંગમાં બ્લોક નં. 705માં રહેતો અને મજૂરીકામ કરતા સંજય દેવશીભાઇ પરમાર (ઉ.વ.22)નામના યુવકની પત્નિ છેલ્લા 10 દિવસ તેણીના માવતરે જતી રહી હતી. પત્નિને પરત લઇ આવવાં માટે અનેક વખત સમજાવવા છતાં સાસરે પરત આવતી ન હતી. જેનું મનમાં લાગી આવતાં સંજયભાઇએ બુધવારે રાત્રીના સમયે તેના ઘરે મકાનનો દરવાજો અંદરથી બંધ કરી ચુંડદી વળે પંખા સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવકને બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરુવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકની બહેન રેખાબેન દ્વારા જાણ કરાતાં હેકો સી.પી. ઝાટીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં રહેતા અને ઘરકામ કરતાં લક્ષ્મીબેન વલ્લભભાઇ સોલંકી (ઉ.વ.46) નામની મહિલાને ઘણા વર્ષો અગાઉ પથરીની બિમારીના કારણે એક કિડની ફેઇલ થઇ ગઇ હતી તેમજ છેલ્લા એક માસથી છાતીમાં દુ:ખાવો રહેતો હતો. તેમજ બે દિવસથી ટાઇફોડ થઇ જવાથી મહિલાએ તેણીનું બિમારીના કારણે કંટાળીને ગુરુવારે બપોરના સમયે તેના ઘરે ચુંડદી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં ફરજ પરના તબીબોએ મહિલાનું મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે મહિલાના પુત્ર વિપુલ દ્વારા જાણ કરાતાં હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.