જામનગર શહેરના રણજીતાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં રહેતાં યુવાન તેના કર્મચારીઓ સાથે જમીન ટેસ્ટીંગનું કામ કરવા જામજોધપુર તાલુકાના ભડાનેશ વિસ્તારમાં ગયા હતાં ત્યારે આઠ જેટલા શખ્સોએ છકડા રીક્ષામાં આવી પ્રૌઢ તથા તેના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ મૂળ પસાયા બેરાજાના વતની અને જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્ક 1 માં રહેતાં તથા રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા ધીરજલાલ નાનજીભાઈ સોરઠીયા નામના કર્મચારી ગુરૂવારે સાંજના સમયે જમીન ટેસ્ટીંગના કામ માટે જામજોધપુર તાલુકાના ભડાનેશ નજીકના સીમ વિસ્તારમાં જતાં હતાં તે દરમિયાન બાલુ દેવા રબારી અને અજાણ્યા સાત થી આઠ શખ્સોેએ એકસંપ કરી કર્મચારીને તથા તેના સ્ટાફને આંતરીને બોલાચાલી કરી ગાળો કાઢી હતી. તેમજ સુરેશભાઇ ડોડિયાની ગાડીના ચાલક રાજેન્દ્રસિંહ જાડેજાનો કોલર પકડી ઝપાઝપી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ઝપાઝપી કરી ધમકી આપ્યાના બનાવ અંગેની ધીરજલાલ દ્વારા જાણ કરાતા હેકો વી પી જાડેજા તથા સ્ટાફે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.