ખંભાળિયામાં ધરાનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અભયગીરી ગુલાબગીરી ગોસ્વામી નામના 30 વર્ષના શખ્સના એક્સેસ મોટરસાયકલમાંથી પોલીસે વિદેશી દારૂની છ બોટલ કબ્જે કરી હતી. આ દરોડામાં પોલીસે રૂપિયા 2,400 ની કિંમતના દારૂ તેમજ એક મોબાઈલ ફોન અને રૂપિયા 90,000 ની કિંમતના મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 97,400 ના મુદ્દામાલ સાથે આરોપી અભયગીરી ગોસ્વામીની અટકાયત કરી હતી.
અન્ય એક કાર્યવાહીમાં અહીંના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર તથા સ્ટાફ દ્વારા અત્રે યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટી ખાતે રહેતા અને વાણંદ કામની દુકાન ધરાવતા જીગ્નેશ કારાભાઈ ભટ્ટી (ઉ.વ. 31) દ્વારા પોતાની દુકાનમાં રાખવામાં આવેલી વિદેશી દારૂની ત્રણ બોટલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,200 ના મુદ્દામાલ સાથે આરોપી જીગ્નેશ ભટ્ટીની અટકાયત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ફરારી તરીકે જામનગરના મહેશ બારાઈનું નામ જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસમાં ગુનો નોંધાયો છે.
ભાણવડ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામનો મૂળ રહીશ અને હાલ જૂનાગઢમાં વંથલી રોડ પર શ્યામવીર એપાર્ટમેન્ટમાં રહેતા ગઢવી પેથા સાંગણ સંધીયા (ઉ.વ. 24) ને રૂા. 4,000 ની કિંમતની વિદેશી દારૂની 10 બોટલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાવનભાઈ પોલાભાઈ ગળચરનું નામ જાહેર થયું છે.